લંડનઃ 12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન તૂટી પડવાની ઘટનાનો ભોગ બનેલાના પરિવારો સાથે મળીને બે આંતરરાષ્ટ્રીય કાયદા કંપનીઓ યુકે અને અમેરિકામાં પ્રવર્તમાન આંતરરાષ્ટ્રીય કાયદાઓ અંતર્ગત એર ઇન્ડિયા સામે લીગલ રાઇટ્સ દાવો માંડવાની તૈયારી કરી રહી છે. દુર્ઘટનામાં ભોગ બનેલાને વળતર ચૂકવવા ટાટા સન્સ દ્વારા લેવાઇ રહેલા પગલાં ઉપરાંતના આ સ્વતંત્ર ખટલા બની રહેશે. આ એટર્ની ગ્રુપમાં યુકે સ્થિત કીસ્ટોન લો અને અમેરિકાની કાયદા કંપની સામેલ છે.
યુકે સ્થિત કીસ્ટોન લો અને અમેરિકા સ્થિત વિસનર લો ફર્મ તેમના દેશોમાં એર ઇન્ડિયા સામે ખટલો માંડવાની તૈયારી કરી રહી છે. આ કંપનીઓ આંતરરાષ્ટ્રીય કાયદા અંતર્ગત કાયદાકીય અધિકારો સુનિશ્ચિત કરવાની માગ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 12 જૂનના રોજ અમદાવાદથી લંડન આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં ક્રેશ થઇ હતી જેમાં બ્રિટિશ નાગરિકો સહિત 241 પ્રવાસીઓનાં મોત થયાં હતાં.
એર ઇન્ડિયાની માલિક ટાટા ગ્રુપ દ્વારા ક્રેશમાં માર્યા ગયેલા પ્રવાસીઓના પીડિત પરિવારોને રૂપિયા 1 કરોડનું વળતર આપવાની જાહેરાત કરી હતી. આ કેસમાં વળતરની રકમ વધારવાની માગ કરવામાં આવી શકે છે. યુકેની કાયદા કંપની દુર્ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવનાર પરિવારને સલાહ આપી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર યુકેના ઘણા પીડિત પરિવારો સાથે મુલાકાતો નક્કી કરાઇ છે જેમાં કાયદાકીય વ્યૂહરચના પર વિચારણા કરાશે. આ બેઠકો બાદ નક્કર નિર્ણય લેવાશે. કીસ્ટોન લો ફર્મે જણાવ્યું હતું કે અમે ટાટા એઆઇજી તરફથી અપાયેલી સેટલમેન્ટ ઓફરની સમીક્ષા કરી રહ્યાં છીએ.
એર ઇન્ડિયા ક્રેશનો પ્રાથમિક તપાસ અહેવાલ 11 જુલાઇએ જાહેર કરાશે
એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો પ્રાથમિક અહેવાલ 11 જુલાઇ સુધીમાં જાહેર કરાશે. આ રિપોર્ટમાં દુર્ઘટનાના મામલે પ્રારંભિક આકલન રજૂ કરાશે. રિપોર્ટમાં વિમાનને થયેલા નુકસાન અને દુર્ઘટનાના સંભવિત કારણોની રૂપરેખા નક્કી કરાશે. તપાસમાં કેવા પગલાં લેવાશે તે અંગે પણ જાણકારી હશે.