લંડનઃ ભારતના અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે 12 જૂન 2025ના રોજ રવાના થયેલી એર ઇન્ડિયાની દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટના મૃતકોના કેટલાંક સગાં અને એસ્ટેટ્સ દ્વારા લંડનમાં એર ઇન્ડિયા સામે ખટલો દાખલ કરવામાં આવ્યો છે. આ ગમખ્વાર અકસ્માતમાં 260 પ્રવાસી માર્યા ગયા હતા જેમાં મુખ્યત્વે બ્રિટિશ ગુજરાતીઓનો સમાવેશ થતો હતો.
કોર્ટ રેકોર્ડ પ્રમાણે 18 ડિસેમ્બર 2025ના રોજ 11 દાવેદાર દ્વારા લંડન હાઇકોર્ટમાં પર્સનલ ઇન્જરી લૉ સ્યૂટ દાખલ કરવામાં આવી છે. જોકે આ અંગે તાત્કાલિક કોઇ માહિતી મળી શકી નથી. ફ્લાઇટમાં સવાર નવ બ્રિટિશ મૃતકોના પરિવારજનો દ્વારા આ ખટલો માંડવામાં આવ્યો છે જેમાં જાવેદ અલી સૈયદના પરિવારજનો, રમેશ હિરજી હિરાણી, શોભના પટેલ અને અશોક પટેલ, કેતન કુમાર શાહ, લોરેન્સ ડેનિયલ ક્રિશ્ચિયનના પરિવારજનોનો સમાવેશ થાય છે.
12 જૂનના રોજ એર ઇન્ડિયાનું બોઇંગ ડ્રીમલાઇનર વિમાન 242 પ્રવાસી સાથે ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં એરપોર્ટ નજીકની મેડિકલ કોલેજની હોસ્ટેલ પર તૂટી પડ્યું હતું. જેમાં પ્રવાસીઓ અને ક્રુ મેમ્બર્સ સહિત 260 લોકોના મોત થયાં હતાં. હોસ્ટેલમાં અને નીચે જમીન પર રહેલા 19 લોકોના પણ મોત થયાં હતાં. આ દુર્ઘટનામાં ચમત્કારિક રીતે લેસ્ટરના રહેવાસીનો બચાવ થયો હતો.
આ ઉપરાંત ચાર પ્રવાસીના પરિવારોએ અમેરિકામાં બોઇંગ સામે પણ ખટલો માંડ્યો છે. તેમનો આરોપ છે કે વિમાનની ખામીયુક્ત ફ્યુઅલ સ્વિચોના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી.

