લંડનઃ અમદાવાદ ખાતે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા બ્રિટિશ ભારતીયોના મૃતદેહના અવશેષો ભયાનક રસાયણોનું ઊંચુ પ્રમાણ ધરાવતા હતા તેવો આરોપ કોરોનરના રિપોર્ટમાં મૂકાયો છે. આ ભયાનક કેમિકલ્સના કારણે શબગૃહના કર્મચારીઓનું આરોગ્ય જોખમમાં મૂકાયું હતું.
કોરોનરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતથી બ્રિટન મોકલાયેલા અવશેષોમાં ફોર્માલિનનું ઊંચુ પ્રમાણ હતું. સામાન્ય રીતે મૃતદેહ લાંબા સમય સુધી સચવાઇ રહે તે માટે ફોર્માલિનનો ઉપયોગ થતો હોય છે. અવશેષોમાંથી ફોર્માલ્ડિહાઇડ પણ મળી આવ્યું હતું. આ રસાયણનું પ્રમાણ વધુ હોય તો તેના સંપર્કમાં આવનારા કર્મચારીને શ્વસનતંત્રની સમસ્યાઓ થઇ શકે છે. લાંબા સમય સુધી આ રસાયણના સંપર્કમાં રહેવાય તો કેન્સર પણ થઇ શકે છે. અવશેષોમાં કાર્બન મોનોક્સાઇડ અને સાઇનાઇડ પણ વધુ માત્રામાં હોવાનો દાવો કોરોનરના રિપોર્ટમાં કરાયો છે.


