લંડનઃ લંડનના હિથ્રો એરપોર્ટ પરથી એર ઇન્ડિયા દ્વારા સંચાલિત અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઇટ બંધ કરીને ગેટવિક એરપોર્ટ પરથી શરૂ કરવાના સંદર્ભમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઇસને મોટા પ્રમાણમાં જનતાની ફરિયાદો અને મંતવ્યો પ્રાપ્ત થઇ રહ્યાં છે. તેથી અમે એર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સનને પત્ર લખી જણાવ્યું છે કે એર ઇન્ડિયા દ્વારા લેવાયેલો આ નિર્ણય લિવિંગ બ્રિજના ઉદ્દેશ્યને વિચલિત કરી રહ્યો છે. અમે તેમને લંડનના હિથ્રો એરપોર્ટ ખાતેથી સંચાલિત એર ઇન્ડિયાની અમદાવાદની સીધી ફ્લાઇટને ગેટવિક એરપોર્ટ ખાતેથી સંચાલિત કરવાના એરલાઇન્સના નિર્ણય પુનઃવિચારણા કરવા અપીલ કરી છે. ભારતીય અને વિશેષ કરીને ગુજરાતી સમુદાયની પરેશાનીઓની નોંધ લેવા માટે અમે તેમો આભાર માનીએ છીએ. અમે નિષ્ણાતો, ટ્રાવેલ એજન્ટ અને સમુદાયના અગ્રણીઓ સાથે મળીને વિગતવાર કામ અને તેમની સાથે એર ઇન્ડિયાના આ નિર્ણયના સારા અને નરસા પાસાઓ પર ચર્ચા કરી રહ્યાં છીએ. આ સંદર્ભમાં હવે પછીની કાર્યવાહીની માહિતીથી અમે તમામ વાચકોને અવગત કરાવતા રહીશું.


