એર ઇન્ડિયાનો કરાર યુકેના એરોસ્પેસ સેક્ટર માટે સીમાસ્થંભ સ્વરૂપ – રિશી સુનાક

આ કરારથી સેંકડો નવી નોકરીઓનું સર્જન, દેશના અર્થતંત્રને વેગ મળશે - વડાપ્રધાન

Tuesday 21st February 2023 12:48 EST
 
 

લંડન

ભારતમાં બેંગાલુરૂ ખાતે આયોજિત એરો ઇન્ડિયા 2023માં ટાટા ગ્રુપની એર ઇન્ડિયા દ્વારા એરબસ, બોઇંગ અને મર્સિડિઝ બેન્ઝ સાથે કરાયેલા કરારને બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાકે દેશના એરોસ્પેસ સેક્ટર માટે સીમાસ્થંભરૂપ ગણાવી આવકાર્યો છે અને ભારત સાથેના સંબંધો વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. એર ઇન્ડિયાની માલિકી ધરાવતું ટાટા જૂથ એરબસ, બોઇંગ અને મર્સિડિઝ બેન્ઝ પાસેથી 400 કરતાં વધુ વિમાનની ખરીદી કરશે, યુકે સરકારે જણાવ્યું છે કે આ કરારને કારણે વેલ્સ, ડર્બીશાયર અને ઇસ્ટ ઇંગ્લેન્ડમાં ઉચ્ચ કુશળતા ધરાવતી નોકરીઓનું સર્જન થશે અને દેશના અર્થતંત્રને વેગ મળશે. સુનાકે જણાવ્યું છે કે આ કરાર દર્શાવે છે કે યુકેના એરોસ્પેસ સેક્ટર માટે કોઇ ઉપલી મર્યાદા નથી.

વડાપ્રધાન સુનાકે જણાવ્યું હતું કે, આ કરારને કારણે ડર્બીથી વેલ્સ સુધીના મેન્યુફેક્ચરિંગ હબમાં નવી તકો અને સારા પગારની નોકરીઓનું સર્જન થશે. આપણા અર્થતંત્રનો વિકાસ થશે અને દેશ માટેની મારી પાંચ પ્રાથમિકતાઓ પૂરી કકરવાના એજન્ડાને મદદ મળી રહેશે. યુકે મૂડીરોકાણ માટે શ્રેષ્ઠ દેશ છે અને ભારત જેવા ઉભરતા અર્થતંત્ર સાથે વેપાર સંબંધો બાંધીને અમે યુકેના બિઝનેસને વૈશ્વિક વિકાસ અને સંશોધનના ક્ષેત્રે અગ્રીમ મોરચા પર રાખી શકીશું.

ડાઉનિંગ સ્ટ્રીટના જણાવ્યા અનુસાર એર ઇન્ડિયા માટેના નવા વિમાનોની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનો મહત્વનો હિસ્સો યુકેમાં રહેશે. વિમાનની પાંખો ફિલ્ટોન અને બ્રોટોન ખાતે તૈયાર કરાશે. તેના કારણે 450 નવી નોકરીઓનું સર્જન થશે અને વેલ્સમાં 100 મિલિયન પાઉન્ડનું મૂડીરોકાણ આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter