લંડનઃ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના ભયાનક અકસ્માતમાં પોતાનો પરિવાર ગુમાવનાર 28 વર્ષીય મોહમ્મદમિયા શેઠવાલા માટે મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. પત્ની અને માસૂમ પુત્રીના મોતના આઘાતમાંથી હજુ બહાર પણ નથી આવ્યા ત્યાં હોમ ઓફિસે તેમની વિઝા અરજી ફગાવી દઈ ભારત પરત ફરવા આદેશ કર્યો છે.
વડોદરાના વતની મોહમ્મદમિયા શેઠવાલાની પત્ની સદિકા અને નાની પુત્રી ફાતિમાનું નવ મહિના પહેલા અમદાવાદ-લંડન ગેટવિક ફ્લાઈટ (AI-171) દુર્ઘટનામાં કરુણ મોત નીપજ્યું હતું. આ આઘાત વચ્ચે તેમણે યુકેમાં રહેવા માટે વિઝાની અરજી કરી હતી, જે 9 એપ્રિલના રોજ હોમ ઓફિસ દ્વારા સત્તાવાર રીતે નકારી દેવામાં આવી છે. સત્તાવાળાઓએ તેમને 22 એપ્રિલ સુધી ઇમિગ્રેશન બેલ મંજૂર કરી છે, જેનો અર્થ છે કે તેમને આ તારીખ સુધીમાં બ્રિટન છોડીને ભારત પરત ફરવું પડશે.
પત્ની અને સંતાનની અંતિમ સ્મૃતિઓ જ્યાં જોડાયેલી છે તે દેશ છોડવા મોહમ્મદમિયા હાલ તૈયાર નથી. તેમના સોલિસિટર હાલમાં યુકેની સ્થાનિક કોર્ટમાં આ બેલ ઓર્ડર રદ કરવા અને માનવીય ધોરણે ત્યાં રહેવાની પરવાનગી મેળવવા માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યા છે.


