લંડનઃ બ્રિટનની એરલાઈન્સે જેટ ફયૂલની વધતી કિંમતોની સાથે રહેવા નાટ્યાત્મકપણે એર-માઈલ્સ ફલાઈટ્સ પરના સરચાર્જીસ વધારી દીધા છે. સામાન્યપણે જે પરિવારો ખર્ચાળ ફ્લાઈટ્સને સોંઘી બનાવવા એર-માઈલ્સનો ઉપયોગ કરે છે તેઓ તેમની ફ્લાઈટ્સમાં સામાન્ય રીતે લાગુ કરાતી એકસ્ટ્રા ફીઝ અને ટેક્સીસમાં સેંકડો પાઉન્ડ ઉમેરાઈ ગયાનું જાણતા જ હક્કાબક્કા બની જશે.
મેઈલ ઓન સન્ડેના અહેવાલ મુજબ વર્જિન એરલાઈન્સની એમેરિકા માટેની બિઝનેસ ક્લાસ ફ્લાઈટ્સમાં ફેબ્રુઆરી પછી 300 પાઉન્ડના સરચાર્જીસ ઉમેરાઈ ગયા છે અને હાલ કુલ સરચાર્જ આશરે 700 પાઉન્ડ થઈ ગયો છે. યુએસ વેસ્ટ કોસ્ટની હવાઈયાત્રા હવે વધું મોંઘી બની છે જેમાં તમામ ઉમેરાયેલી ફી સાથે સંભવિત 993 પાઉન્ડનો વધારો જોવાં મળશે. કેરેબિયન્સ અને સાઉથ ઈસ્ટ એશિયા માટેની યાત્રાઓમાં પણ લગભગ આટલો જ વધારો થતો રહે છે. બ્રિટિશ એરવેઝની બિઝનેસ ક્લાસ ફ્લાઈટ્સમાં સરચાર્જીસ 400 પાઉન્ડથી વધીને 550 પાઉન્ડ થયા છે. લાંબા પ્રવાસની સાથે સરચાર્જ વધતો રહે છે જે વધીને 846 પાઉન્ડ સુધી પહોંચે છે.
જે લોકો ઈકોનોમી અથવા પ્રીમિયમ કલાસમાં મુસારી કરે છે તેમને મોટો આઘાત નહિ લાગે કારણકે સરચાર્જીસમાં હાલ આશરે 30 પાઉન્ડ જેટલો જ વધારો થયો છે.
એરલાઈન્સોએ જેટ ફ્યૂલની વધેલી કિંમતોને સરભર કરવા ફ્લાઈટની મૂળ કિંમતમાં ‘કેરિયર ઈમ્પોઝ્ડ સરચાર્જીસ’ તરીકે ઓળખાયેલી વધારાની ફી ઉમેરી દીધી છે. જોકે, ફ્યૂલના કિંમત ઘટે છે ત્યારે સરચાર્જીસમાં ઘટાડો નહિ કરવા બદલ કંપનીઓની ભારે ટીકા થતી રહે છે. પ્રવાસીઓએ ફ્યૂલ ફી ઉપરાંત, એરપોર્ટ અને સરકારી વેરા પણ ચૂકવવા પડે છે. આ બધી ફી પણ ધીરે ધીરે વધતી જ રહે છે.
લોકો ચોક્કસ કંપનીઓ પાસેથી વિમાનની ટિક્ટિસ, અન્ય ઉત્પાદનો અથવા સર્વિસીસ ખરીદે છે ત્યારે તેમને મફત પોઈન્ટ્સ આપવામાં આવે છે. આ રીતે એકત્ર કરાયેલા પોઈન્ટ્સનો ઉપયોગ વિમાનયાત્રા, હોટેલ રૂમ્સ માટે ચૂકવણીમાં કરી શકાય છે. આશરે 3.5 મિલિયન લોકો એર માઈલ્સ એકત્ર કરે છે અને દર સપ્તાહે આશરે 100,000 લોકો મફત વિમાની મુસાફરી પણ કરે છે.


