એરપોર્ટ પર ડ્રોપ ઓફ ચાર્જમાં એક વર્ષમાં 33 ટકાનો અસહ્ય ભાવવધારો

સાઉધમ્પ્ટન અને બેલફાસ્ટ એરપોર્ટ પર સૌથી વધુ ડ્રોપ ઓફ ચાર્જની વસૂલાત

Tuesday 18th July 2023 11:12 EDT
 
 

લંડનઃ છેલ્લા એક વર્ષમાં યુકેના વિમાનીમથકો ખાતે વાહનચાલકો પાસેથી વસૂલાતા એરપોર્ટ ડ્રોપ-ઓફ ચાર્જમાં લગભગ 33 ટકાનો વધારો કરાયો છે. આરએસીના જણાવ્યા અનુસાર સૌથી વધુ ડ્રોપ ઓફ ચાર્જ સાઉધમ્પ્ટન અને બેલફાસ્ટના એરપોર્ટ પર વસૂલવામાં આવે છે. એરપોર્ટ સત્તાવાળાઓની દલીલ છે કે ઊંચો ચાર્જ વસૂલવાથી વાહનચાલકોને વિમાનીમથક ખાતે ભીડ કરતા અટકાવવામાં મદદ મળે છે અને ફ્લાઇટ કોસ્ટ નીચી રાખી શકાય છે.

એરપોર્ટ ઓપરેટર એસોસિએશને જણાવ્યું હતું કે, ઊંચા ડ્રોપ ઓફ ચાર્જે એરલાઇન્સ પાસેથી વસૂલાતા ચાર્જમાં ઘટાડો કર્યો છે જેથી તમામ પ્રવાસીઓને મહત્તમ ફ્લાઇટ ઓફર કરી શકાય છે. ટર્મિનલ ખાતે વાહન લઇ જવા માટે વાહનચાલકોએ ચોક્કસ સમય માટે ટિકિટ ખરીદવી પડે છે. સાઉધમ્પ્ટન ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે 20 મિનિટ માટેની ફી 4 પાઉન્ડથી વધારીને 6 પાઉન્ડ કરી દેવાઇ  છે જ્યારે બેલફાસ્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે 10 મિનિટનો ચાર્જ 1 પાઉન્ડથી વધારીને 3 પાઉન્ડ કરાયો છે.

લંડનના હિથ્રો એરપોર્ટ ખાતે કોઇપણ પ્રકારની ટાઇમ લિમિટ વિના પાંચ પાઉન્ડ વસૂલવામાં આવે છે જ્યારે ગેટવિક એરપોર્ટની ફી 10 મિનિટ માટે પાંચ પાઉન્ડ છે. માન્ચેસ્ટર એરપોર્ટ પર વાહનચાલકે પાંચ મિનિટના પાંચ પાઉન્ડ, લંડન લ્યુટન ખાતે 10 મિનિટના પાંચ પાઉન્ડ અને એડિનબરો એરપોર્ટ ખાતે 10 મિનિટના 4 પાઉન્ડ ડ્રોપ ઓફ ચાર્જ ચૂકવવો પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter