લંડનઃ દેશના મહત્વના મુખ્ય વિમાની મથકો પર મુસાફરોને મૂકવા માટે લેવાતી ડ્રોપ-ઓફ ફીમાં ગયા વર્ષની સરખામણીએ સરેરાશ 33 ટકાનો વધારો નોંધાયો છે. લંડનનું ગેટવિક એરપોર્ટ 10 મિનિટ માટે 10 પાઉન્ડની ફી સાથે આ યાદીમાં ટોચ પર છે. સ્ટેનસ્ટેડ એરપોર્ટ પર પણ 15 મિનિટના એક્સપ્રેસ સેટ ડાઉન માટે 10 પાઉન્ડ વસૂલવામાં આવે છે.
લંડનનું સિટી એરપોર્ટ પ્રતિ મિનિટના હિસાબે સૌથી મોંઘું છે જ્યાં 5 મિનિટ માટે 8 પાઉન્ડ એટલે કે પ્રતિ મિનિટ 1.60 પાઉન્ડનો ચાર્જ લેવામાં આવે છે. આમ કિસ-એન્ડ-ફ્લાય એરિયામાં ડ્રોપ-ઓફ ચાર્જ વધીને સરેરાશ 7 પાઉન્ડ થયો છે. જેની સામે યુરોપિયન યુનિયનના ટોચના 10 એરપોર્ટમાંથી એક પણ એરપોર્ટ ડ્રોપ-ઓફ માટે ચાર્જ વસુલતા નથી.
આરએસી અને બિઝનેસ ટ્રાવેલ એસોસિએશને આ ફીની ટીકા કરતા જણાવ્યું છે કે મુસાફરો પાસે બીજો કોઈ વિકલ્પ ન હોવાનો લાભ ઉઠાવીને આ ફી વસૂલવામાં આવી રહી છે, જેનાથી મુસાફરો અને વ્યવસાયો પર આર્થિક બોજ વધે છે.

