એરપોર્ટ પર બ્રિટિશ શીખોને પરેશાન કરાતા હોવાનો પ્રીત કૌર ગિલનો આરોપ

લેબર સાંસદે હોમ સેક્રેટરીને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી

Tuesday 17th December 2024 10:26 EST
 
 

લંડનઃ લેબર સાંસદ પ્રીત કૌર ગિલે આરોપ મૂક્યો છે કે બ્રિટનના એરપોર્ટો પર બ્રિટિશ શીખોને અટકાવીને તેમના ભારત પ્રત્યેના વલણ અંગે સવાલો કરવામાં આવી રહ્યાં છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે બ્રિટનની સિક્યુરિટી પર નવી દિલ્હીનો પ્રભાવ વધી રહ્યો છે.

પ્રીત કૌર ગિલે હોમ સેક્રેટરીને લખેલા પત્રમાં ચિંતા વ્યક્ત કરી હતી કે બ્રિટિશ શીખો જ્યારે બ્રિટન પરત આવે છે ત્યારે તેમને અટકાવીને સંખ્યાબંધ સવાલો કરવામાં આવી રહ્યાં છે. આ સવાલો ખાલિસ્તાનની શીખોની માગની આસપાસ કેન્દ્રિત હોય છે.

તેમણે જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં બ્રિટિશ શીખોએ મને જણાવ્યું છે કે બોર્ડર સિક્યુરિટી દ્વારા અમને અટકાવીને સવાલોની ઝડી વરસાવવામાં આવે છે. એક બ્રિટિશ શીખ તેમના પરિવાર સાથે તૂર્કીમાં વેકેશન માણીને પરત આવ્યા ત્યારે તેમને કલાકો સુધી માન્ચેસ્ટર એરપોર્ટ પર અટકાવી રાખવામાં આવ્યાં હતાં અને તેમને શીખ ધર્મ, ભારતના વિભાજન અને કેનેડામાં નિજ્જરની હત્યા અંગે સવાલો કરાયાં હતાં.

ગિલે જણાવ્યું હતું કે, આ બ્રિટિશ શીખ સાથે અભદ્ર વ્યવહાર કરાયો હતો અને એક અધિકારીએ તેમની પાઘડી દૂર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

પ્રીત કૌર ગિલ દ્વારા લેબર ફ્રેન્ડ્સ ઓફ કોમનવેલ્થનો પ્રારંભ

લેબર સાંસદ પ્રીત કૌર ગિલ દ્વારા મંગળવારની સાંજે પાર્લામેન્ટ ખાતે કોમનવેલ્થ ઓફ ડોમિનિકાના વડાપ્રધાન ડો. રૂઝવેલ્ટ સ્કેર્રિટ સાથે મળીને લેબર ફ્રેન્ડ્સ ઓફ કોમનવેલ્થનો પ્રારંભ કરાયો હતો. આ ગ્રુપ કોમનવેલ્થ દેશોમાં લોકશાહીના ભવિષ્ય પર કામ કરશે. લેબર ફ્રેન્ડ્સ ઓફ કોમનવેલ્થનો ઉદ્દેશ્ય કોમનવેલ્થ દેશોમાં લેબર પાર્ટીઓને એકજૂથ કરવાનો છે. પ્રીત કૌર ગિલે કોમનવેલ્થ દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter