એરો ઈન્ડિયામાં ભારતના આત્મનિર્ભરતા મંત્રને યુકેનું મજબૂત સમર્થન

આગામી મહિને IAF સૌપ્રથમ વખત 17 દેશોની હાજરી સાથેના મલ્ટિલેટરલ એર કોમ્બેટ કવાયતમાં ભાગ લેશે

Wednesday 15th February 2023 05:16 EST
 
 

લંડન, નવી દિલ્હીઃ ભારતના પ્રીમિઅર એર શો એરો ઈન્ડિયામાં યુકેના ડિફેન્સ સેક્ટરની હાજરી નોંધપાત્ર બની રહી જે રિસર્ચ, ડેવલપમેન્ટ અને ટ્રેનિંગના ક્ષેત્રોમાં ભારત સાથે સહકારને આગળ વધારવાના મજબૂત ઈરાદાનું પ્રદર્શન કરે છે. 13થી 17 ફેબ્રુઆરીના સમગ્ર સપ્તાહ દરમિયાન યુકેનું ડેલિગેશન માત્ર ‘મેઈક ઈન ઈન્ડિયા’ જ નહિ પરંતુ, ‘ક્રીએટ ઈન ઈન્ડિયા’ માટે પણ યુકેની મહત્ત્વાકાંક્ષોઓનો પુનરુચ્ચાર કરવા ભારતીય સમકક્ષો સાથે મંત્રણાઓ યોજશે.

યુકેનું ડેલિગેશન ભારત સાથે સહકારના ક્ષેત્રોમાં જેટ એન્જિન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને મેરીટાઈમ ઈલેક્ટ્રિક પ્રોપલ્ઝન ટેકનોલોજી જવી બાબતોમાં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની ચાવીરૂપ ઓફરોને આગળ લઈ જવા ચર્ચાઓ આગળ વધારશે. ભારતના નોર્ધર્ન ડિફેન્સ કોરિડોરમાં ઈન્વેસ્ટમેન્ટ સંભાવનાઓને ખોલવા માટેના યુપી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં ભાગ લીધા પછી ડેલિગેશન બેંગલુરુ પહોંચ્યું હતુ. યુકે આ સમિટમાં કન્ટ્રી પાર્ટનર હતું.

રોયલ એર ફોર્સ (RAF)આગામી મહિને કોબ્રા વોરિયર એક્સરસાઈઝ માટે ઈન્ડિયન એર ફોર્સ (IAF)ને યુકેમાં આવકારવા ઉત્સુક છે. IAF સૌપ્રથમ વખત 17 દેશોની હાજરી સાથેના મલ્ટિલેટરલ એર કોમ્બેટ કવાયતમાં ભાગ લેશે.

મિનિસ્ટર ફોર ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ એલેક્સ ચાકના વડપણ હેઠળના યુકેના પ્રતિનિધિમંડળમાં સરકાર, મિલિટરી અને ડિફેન્સ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે જેમાં, રોયલ એર ફોર્સના એર વાઈસ-માર્શલ રિચાર્ડ મેડિસન તેમજ રોલ્સ રોઈસ, BAE સિસ્ટમ્સ, MBDA UK, થેલ્સ યુકે, કોલિન્સ એરોસ્પેસ અને લીઓનાર્ડો જેવાં બ્રિટિશ મેન્યુફેક્ચરિંગ જાયન્ટ્સ પણ સામેલ છે.

મિનિસ્ટર ફોર ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ એલેક્સ ચાકે જણાવ્યું હતું કે,‘આપણે યુકે-ઈન્ડિયા કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપના નિર્માણને આગળ વધારી રહ્યા છીએ ત્યારે એરો ઈન્ડિયામાં હાજરી આપતા હું રોમાંચ અનુભવું છું. મજબૂત દ્વિપક્ષી સંબંધોના વિકાસ અને રોડમેપ 2030ને પૂર્ણસ્તરે પહોંચાડવાની યુકેની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરવાની આ ચાવીરૂપ તક છે. ભારતીય નૌકાદળ, આર્મી અને એર ફોર્સ સાથે કવાયતના તાજેતરના સહકાર મુક્ત, ખુલ્લા અને સલામત ઈન્ડો-પાસિફિક ક્ષેત્રને આગળ વધારવા પર સાથે મળીને કામ કરવાની આપણા બંને દેશોની પ્રતિબદ્ધતાની તાકાતને દર્શાવે છે.’

ભારતસ્થિત બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે જણાવ્યું હતું કે,‘ મેં આજે ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓના નિર્માણ બાબતે વડા પ્રધાન મોદીના વિઝનને સાંભળ્યું હતું. યુકે જ્ઞાન-જાણકારીમાં સહયોગ, પારસ્પરિકતાની વૃદ્ધિ, વધુ તાલીમ અને કવાયતો તેમજ ભારતમાં ડિઝાઈન અને ઉત્પાદન સહિત ઔદ્યોગિક સહકારમાં વૃદ્ધિ સાથે આ મહત્ત્વાકાંક્ષાને સાકાર કરવા માટે યોગ્ય પાર્ટનર છે. ભારતની પોતાના સંરક્ષણ અને સલામતીની જરૂરિયાતોમાં આત્મનિર્ભર બની રહેવાની યાત્રામાં યુકે ભારતનું કટિબદ્ધ સાથી છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter