લંડનઃ સંસદની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય વાતાવરણમાં ગરમાટો આવી ગયો છે. મુખ્ય રાજકીય પાર્ટીઓ કન્ઝર્વેટિવ અને લેબરે પ્રજાને અસર કરતા મુદ્દાઓ પર ભાત ભાતના વચનો આપવાનો પ્રારંભ કરી દીધો છે. વડાપ્રધાન રિશી સુનાકે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાઓને પાર્ટીને અર્થતંત્ર અને રાષ્ટ્રીય સુરક્ષાના મામલે ભવિષ્યની પાર્ટી તરીકે રજૂ કરવાની અપીલ કરી દીધી છે. બીજીતરફ વિવિધ સરવેમાં કન્ઝર્વેટિવ પાર્ટી પર મોટી લીડ ધરાવતી લેબર પાર્ટી મતદારો સમક્ષ વિવિધ મુદ્દા રજૂ કરવા કમર કસી રહી છે. આવો જોઇએ આગામી સંસદની ચૂંટણીમાં કયા કયા મુદ્દા હાવી રહેશે.
1 અર્થતંત્ર
સુનાક વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે અર્થતંત્રમાં વૃદ્ધિ અને ફુગાવાનો દર અડધો કરવાના વચન આપ્યાં હતાં. સુનાકે આ મોરચા પર વચન પાલનની સિદ્ધી હાંસલ કરી લીધી છે પરંતુ કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ હજુ પણ જનતાને પીડા આપી રહી છે. સુનાકની નીતિઓના કારણે ફુગાવાનો દર બેન્ક ઓફ ઇંગ્લેન્ડના બે ટકાના લક્ષ્યાંક સુધી પહોંચી ગયો છે તે તેમની મોટી સફળતા ગણી શકાય. જીડીપી વૃદ્ધિ દરમાં વધારા અને ફુગાવા પર નિયંત્રણને પગલે સુનાક હવે પોતાને વિશ્વાસપાત્ર નેતા તરીકે રજૂ કરી શકે છે.
2 એનએચએસ
વડાપ્રધાન રિશી સુનાક એનએચએસમાં વેઇટિંગ લિસ્ટ ઘટાડવાનું વચન પાળવામાં નિષ્ફળ રહ્યાં છે. બદતર સ્થિતિના કારણે એનએચએસ ઘૂંટણ પર આવી ગઇ હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે. ટોરી સરકાર હજુ જુનિયર ડોક્ટરોની હડતાળનો ઉકેલ લાવી શકી નથી. ડેન્ટલ સહિતની સારવારમાં વિલંબ, મહત્વની દવાઓની અછત જેવી બાબતોથી મતદાતા પરેશાન છે જે કન્ઝર્વેટિવ પાર્ટી માટે વિપરિત અસર કરનારો મુદ્દો બની શકે છે.
3 માઇગ્રેશન
નેટ ઇમિગ્રેશન અને ઇંગ્લિશ ચેનલ પાર કરીને થતું ગેરકાયદેસર માઇગ્રેશન સુનાક માટે માથાના દુઃખાવા સમાન મુદ્દો છે. એવું નથી કે સુનાક સરકારે ઇમિગ્રેશન અને ગેરકાયદેસર માઇગ્રેશન અટકાવવા માટે પગલાં લીધાં નથી. સરકારે ઇમિગ્રેશન નિયમોમાં બદલાવ અને રવાન્ડા યોજના દ્વારા બ્રિટનમાં ઇમિગ્રેશન નિયંત્રણમાં લેવાના પ્રયાસ કર્યા છે પરંતુ તેમાં તેમને ઝાઝી સફળતા હાંસલ થઇ નથી. હવે તો સુનાકે રવાન્ડા ફ્લાઇટ ચૂંટણી સુધી રવાના નહીં થાય તેવી જાહેરાત પણ કરી દીધી છે ત્યારે લેબર પાર્ટી આ મુદ્દાને ચૂંટણીમાં ચગાવવાના ભરપૂર પ્રયાસ કરશે.
4 હાઉસિંગ
2022માં લીઝ ટ્રસની સરકાર દ્વારા રજૂ કરાયેલા મીની બજેટ બાદ મોર્ગેજ દરોમાં થયેલા અસહ્ય વધારાને 1.5 મિલિયન મકાનમાલિકો હજુ ભૂલી શક્યાં નથી. તે ઉપરાંત ઉત્તરોતર આવેલી કન્ઝર્વેટિવ સરકારો ઇંગ્લેન્ડમાં 3 લાખ નવા મકાન બનાવવાના લક્ષ્યાંકને પણ હાંસલ કરી શકી નથી. નો ફોલ્ટ ઇવિક્શનના મામલે સુનાક સરકારની પીછેહઠથી ભાડૂઆત મતદારો પણ ઘણા પરેશાન છે. જોકે લેબર પાર્ટી પણ હાઉસિંગના મામલે મતદારો સમક્ષ કોઇ નક્કર યોજના હજુ સુધી રજૂ કરી શકી નથી.
5 ક્લાઇમેટ ક્રાઇસિસ
ક્લાઇમેટ ક્રાઇસિસના મામલે બંને રાજકીય પાર્ટીઓ જાણે કે ગુંચવાયેલી હોય તેમ લાગી રહ્યું છે. નેટ ઝીરો નીતિ મુદ્દે સુનાકની પીછેહઠ સામે લેબર પાર્ટીનું વલણ પ્રગતિશીલ જણાઇ રહ્યું છે. વડાપ્રધાન સુનાકે ક્લાઇમેટ ચેન્જ મુદે નીતિઓમાં ઘણીવાર પીછેહઠ કરી છે
6 એજ્યુકેશન અને ચાઇલ્ડ કેર
હાલ બ્રિટન ચાઇલ્ડ કેર ક્રાઇસિસમાંથી પસાર થઇ રહ્યો છે. માતાપિતાઓને સરકારી સહાય મેળવવામાં સંઘર્ષ કરવો પડી રહ્યો છે. બાળકોની સંભાળ લેવા માટે ઘણા માતાપિતાએ નોકરીના કલાકો સાથે સમાધાન કરવું પડી રહ્યું છે. મતદારો બંને પાર્ટી પાસેથી ચાઇલ્ડ કેર મામલે નક્કર સમાધાનો ઇચ્છે છે. શિક્ષણ સંસ્થાનો માટે પણ તેમની શું યોજનાઓ છે તે જાણવા મતદારો ઉત્સુક છે. લેબર પાર્ટી પ્રાઇવેટ સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી પર ટેક્સ લાગુ કરવાની વાતો કરી રહી છે.


