લંડનઃ પૂર્વ બ્રિટિશ કેબિનેટ મિનિસ્ટર જોનાથન એટકિનની પાર્ટીની મોજમજા માણનારી પુત્રી એલેકઝાન્ડ્રાએ શીખ નિહંગ લડાકુ ઈન્દર જોત સિંહ સાથે છ વર્ષ અગાઉ લગ્ન કર્યાં હતા, જે હવે વિચ્છેદમાં પરિણમ્યા છે. લગ્ન પછી ઉત્તરંગ કૌર ખાલસા નામ ધારણ કરનારી એલેકઝાન્ડ્રાએ શીખ જીવનશૈલી અપનાવી લીધી છે અને હવે તે ભારતથી લંડન પાછી ફરી છે. તે વિશ્વને પ્રદૂષણથી બચાવવાં ઈચ્છે છે.
ભારતના અમૃતસર શહેરમાં ૨૦૦૮માં બન્નેની મુલાકાત થઈ હતી અને ૨૦૧૦માં તેમણે લગ્ન કરી લીધાં હતાં. એલેકઝાન્ડ્રાનાં પિતા જોનાથને ૨૦૧૩માં લગ્નમાં બધું સમુસુંતરું ન હોવાની વાતો કરી હતી અને ૨૦૧૪માં તો સ્થાનિક ભારતીય અખબારોએ ઈન્દર જોત સિંહ પત્નીને છોડી બીજે રહેવા ગયો હોવાનો દાવો કર્યો હતો. હવે ૩૫ વર્ષીય એલેકઝાન્ડ્રા પાસે સ્મરણો સિવાય કશું રહ્યું નથી. બન્નેના લગ્નમાં ૩૦૦ મહેમાન હાજર હોવાં છતાં લગ્નનું સત્તાવાર રજિસ્ટ્રેશન કરાયા વિશે શંકા છે. ખુદ એલેકઝાન્ડ્રા કહે છે કે,‘હું ડાઈવોર્સ લેનારી શીખ નથી પરંતુ, મારી જાણ અનુસાર કાનૂની દૃષ્ટિએ મારાં લગ્ન થયાં જ નથી.’
એલેકઝાન્ડ્રા કહે છે કે ઈન્દર જોત સાથે ટેલિફોન પર વાતચીત થાય છે પરંતું એક કરતા વધુ વર્ષથી અમે મળ્યાં નથી. તેની સાથે બાળકો પેદા કરવાની, સાથે મળીને હોસ્પિટલો અને શાળાઓનાં નિર્માણની યોજના હતી, જે આજે ધૂળમાં મળી ગઈ છે. જોકે, હવે અન્ય કોઈ સાથે પ્રેમમાં પડશે નહિ તે બાબતે પણ એલેકઝાન્ડ્રા સ્પષ્ટ છે. તે પોતાનો સમય શીખ શાસ્ત્રોનો ગુરુમુખીમાંથી ઈંગ્લિશમાં અનુવાદ કરવામાં, ગુરુદ્વારાની સફાઈ તેમજ પ્રાર્થનાઓ કરવામાં વીતાવે છે.