લંડનઃ સાહિત્ય એવોર્ડવિજેતા લેખક સંજીવ સહોતાની લીડ્ઝ બેકેટ યુનિવર્સિટીમાં રાઈટર ઈન રેસિડેન્સ તરીકે નિયુક્તિ કરાઈ છે. તાજેતરમાં તેમને બીજી નોવેલ ‘ધ યર ઓફ ધ રનઅવેઝ’ માટે સાઉથ બેન્ક સ્કાય આર્ટ્સ એવોર્ડ્સ એનાયત કરાયો હતો. આ જ નોવેલ માટે તેમને ૨૦૧૫માં મેન બૂકર પ્રાઈઝ માટે શોર્ટલિસ્ટ કરાયા હતા.
સંજીવ સહોતાએ લીડ્ઝ બેકેટ ખાતે નવી ભૂમિકા વિશે જણાવ્યું હતું કે,‘હું લીડ્ઝ બેકેટના વિદ્યાર્થીઓ, પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓથી માંડી વધુ અનુભવસિદ્ધ લેખકો સાથે કામ કરવા, તેમના વિકાસ અને તેઓ વધુ સારા લેખક બને તે પાછળ મારો સમય વીતાવવા ઉત્સુક છું. ‘રાઈટર ઈન રેસિડેન્સની આ ભૂમિકા માટે હું ઉત્સાહી છું કારણકે વિદ્યાર્થીઓના અથવા લેખકોના કાર્ય પર નજર નાખવાનું કાર્ય ભારે વળતર આપનારું છે. મારું પોતાનું લેખન પણ વાંચનમાંથી વિકસ્યું છે. તે મને આસપાસના સ્થળો સાથે વ્યસ્ત રાખે છે. શેફિલ્ડ, સાઉથ યોર્કશાયર અને નોર્થ ડર્બીશાયર જેવાં સ્થળોએથી મને લખવાની પ્રેરણા સાંપડે છે.’
સંજીવનો ઉલ્લેખ ૨૦૧૩માં ગ્રાન્ટાના બ્રિટિશ યુવા નવલકારોમાં શ્રેષ્ઠ અને વર્તમાન સાહિત્યમાં ઉભરતા સિતારા તરીકે કરાયો હતો. તેઓ ઈંગ્લિશ સાહિત્ય અને સર્જનાત્મક લેખન કોર્સીસને ટેકો આપવા વિદ્યાર્થીઓ અને વિદ્વાનો સાથે મળી કામ કરશે. પંજાબી મૂળના સંજીવનો ઉછેર ચેસ્ટરફિલ્ડમાં થયો હતો. તેમણે ઈમ્પિરિયલ કોલેજ લંડનમાં મેથેમેટિક્સનો અભ્યાસ કર્યો હતો અને ૧૮ વર્ષની વયે ભારતના પ્રવાસ સમયે સાહિત્ય સાથેનો લગાવ આરંભાયો હતો. ‘અવર્સ આર ધ સ્ટ્રીટ્સ’ સહિત તેમની બે નવલકથા પ્રસિદ્ધ થઈ છે.


