લંડનઃ જ્હોની બેરસ્ટોની વિકેટના વિવાદાસ્પદ મામલે યુકે અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જાણે કે રાજદ્વારી યુદ્ધ શરૂ થઇ ગયું છે. વડાપ્રધાન રિશી સુનાકે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટમેચમાં જ્હોની બેરસ્ટોને વિવાદાસ્પદ રીતે આઉટ આપવાના મુદ્દે ઓસ્ટ્રેલિયાની આકરી ટીકા કરી હતી. ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના વર્તન અંગે પૂછાયેલા એક સવાલના જવાબમાં સુનાકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન માને છે કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોની વર્તણુંક ક્રિકેટની નૈતિકતાને અનુરૂપ નહોતી. ઓસ્ટ્રેલિયાએ જે રીતે મેચમાં વિજય મેળવ્યો તે રીતે વિજય મેળવવા ઇચ્છીશ નહીં તેવા બેન સ્ટોક્સના નિવેદન સાથે વડાપ્રધાન સહમત થયા હતા.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની આલ્બેનિઝે યુકેના વડાપ્રધાન રિશી સુનાકને આ મામલે મર્યાદામાં રહેવા ચેતવણી આપી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ક્રિકેટના આત્માનું હનન કરી રહી છે તેવા રિશી સુનાકના આરોપ બાદ આલ્બેનિઝે જણાવ્યું હતું કે, રિશી સુનાકની હતાશા સમજી શકાય તેવી છે પરંતુ મને શાળામાં શિક્ષણ મળ્યું છે તે તેમને મળ્યું લાગતું નથી. તેમણે મર્યાદામાં રહેવું જોઇએ.
ક્રિકેટમાં નહીં પરંતુ મારા ઉછેરમાં વંશીય ભેદભાવનો સામનો કર્યો છેઃ રિશી સુનાક
લંડનઃ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની એશિઝ સીરિઝની બીજી ટેસ્ટમેચ દરમિયાન હાજર રહેલા વડાપ્રધાન રિશી સુનાકે યુકેમાં તેમના ઉછેર દરમિયાન તેમની સાથે થયેલા વંશીય ભેદભાવની વાતો કરી હતી. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડમાં રેસિઝમ, સેક્સિઝમ, એલિટિઝમ અને વર્ગ આધારિત ભેદભાવને ઉજાગર કરતા રિપોર્ટ પર કરાયેલા સવાલના જવાબમાં રિશી સુનાકે જણાવ્યું હતું કે, મેં ક્રિકેટમાં ક્યારેય ભેદભાવનો સામનો કર્યો નથી પરંતુ હા,મારા ઉછેર દરમિયાન મેં વંશીય ભેદભાવનો સામનો કર્યો હતો. આ પ્રકારનો વંશીય ભેદભાવ તમને અન્ય તમામ બાબતો કરતાં વધુ ઝંઝોડી નાખે છે. અત્યારે હું એવા હોદ્દા પર છું જ્યાં દરરોજ, દરેક કલાક અને દરેક મિનિટે મારે ટીકાનો સામનો કરવો પડે છે.પરંતુ વંશીય ભેદભાવ તમને ઝંઝોડે તો છે પરંતુ ઇજા કરતો નથી. મને આશા છે કે ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડ તેના પર મૂકાયેલા આરોપોનો યોગ્ય રીતે જવાબ આપશે.
ક્રિકેટ ઘેલા વડાપ્રધાન રિશી સુનાક
લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકનો ક્રિકેટ પ્રેમ જાણીતો છે. તાજેતરમાં જ તેમણે લોર્ડ્સ ખાતે રમાઇ રહેલી એશિઝ ટેસ્ટ દરમિયાન એક ઇન્ટરવ્યૂ પણ આપ્યો હતો. રિશી સુનાક ક્રિકેટના ચાહક છે. તેઓ જ્યારે ચાન્સેલર હતા ત્યારે તેમની ઓફિસમાં જ ક્રિકેટ બેટ રાખતા અને પોતાના સહયોગીઓ સાથે વાત કરતી વખતે પણ હાથમાં બેટ લઇને કવર ડ્રાઇવ અને ફોરવર્ડ ડિફેન્સની પ્રેકટિસ કરતા હતા. રિશી સુનાકે તેમની લોકલ ક્રિકેટ ટીમમાં સામેલ થવાનો પણ પ્રયાસ કર્યો હતો.


