લંડન
એનએચએસ વેઇટિંગ લિસ્ટના એનાલિસિસમાં ચોંકાવનારી બાબતો સામે આવી છે. ઇંગ્લેન્ડમાં કેન્સરના નિદાન માટે એશિયન અને અશ્વેત લોકોને શ્વેત લોકો કરતાં 6 સપ્તાહ વધુ રાહ જોવી પડે છે. સાત પ્રકારના કેન્સરમાંથી 6ના નિદાન માટે શ્વેત દર્દીઓ કરતાં લઘુમતી વંશીય સમુદાયોને વધુ રાહ જોવી પડે છે જે અત્યંત ચિંતાજનક અને અસ્વીકાર્ય બાબત છે. એક દાયકાના 1,26,000 કેન્સરના કેસની સમીક્ષામાં જાણવા મળ્યું છે કે શ્વેત દર્દીના કેન્સરનું નિદાન પહેલીવાર લક્ષણો જણાયા બાદ ફક્ત પંચાવન દિવસમાં થઇ જાય છે જ્યારે એશિયન દર્દીએ તેના માટે 60 દિવસ અને અશ્વેત દર્દીએ 61 દિવસ રાહ જોવી પડી હતી. કેન્સરનું નિદાન મોડું થવાથી સારવારના વિકલ્પો ઘટી જાય છે અને ઓછી અસરકારક રહે છે. જેના કારણે મૃત્યુ થવાની સંભાવનામાં વધારો થાય છે. શ્વેત દર્દીના પેટ અને આંતરડાના કેન્સરનું નિદાન 53 દિવસમાં થઇ જાય છે જ્યારે એશિયન લોકોને આ કેન્સરના નિદાન માટે 100 દિવસ એટલે કે 6 સપ્તાહ વધુ રાહ જોવી પડે છે. સૌથી સામાન્ય રીતે જોવા મળતા બ્લડ કેન્સર માયલોમાનુ શ્વેતોમાં નિદાન 93 દિવસે જ્યારે અશ્વેતોમાં 127 દિવસે થાય છે.
સરકાર અને એનએચએસ આરોગ્ય સેવાઓમાં વંશીય અસમાનતાઓ દૂર કરવાના વારંવાર વચનો આપી ચૂક્યાં છે.નિષ્ણાતોનું કહેવું છે કે શા માટે અશ્વેત અને એશિયન લોકોને કેન્સરના નિદાન માટે આટલો લાંબો સમય રાહ જોવી પડે છે તે અંગે ગંભીર પગલાં લેવાની જરૂર છએ. રેસ ઇક્વાલિટી ફાઉન્ડેશનના ચીફ એક્ઝિક્યુટિવ જાબીર બટ્ટે જણાવ્યું હતું કે, આ તારણો અત્યંત ચિંતાજનક છે. તેનાથી અશ્વેત અને એશિયન લોકોના આરોગ્ય પર જીવન બદલી નાખતી અસરો થાય છે. કેન્સરના નિદાન અને સારવારમાં અશ્વેત અને એશિયન લોકોને પણ સમાન તકો ઉપલબ્ધ થવી જોઇએ.
એક્સટર યુનિવર્સિટીના રિસર્ચર તાનિમોલા માર્ટિન્સ કહે છે કે શા માટે વંશીય લઘુમતી સમુદાયોમાં કેટલાંક પ્રકારના કેન્સર વધુ ગંભીર નીવડે છે અને આરોગ્ય સેવાઓ અંગે તેઓ બદતર અનુભવો શા માટે રજૂ કરે છે તે સમજવામાં આ તારણો મદદરૂપ બની શકે છે. મિચિલી મિચેલ કહે છે કે કેન્સરના નિદાનમાં વિલંબથવાના કારણે લઘુમતી વંશીય સમુદાયના લોકો તણાવ અને હતાશાનો ભોગ પણ બને છે.


