'એશિયન વોઇસ અને ગુજરાત સમાચાર' દ્વારા આયોજીત આ એવોર્ડ્ઝ સમારોહમાં વાચકો દ્વારા નોમીનેટ કરાયેલા અને વિવિધ ક્ષેત્રે અપ્રતિમ સફળતા હાંસલ કરનાર વ્યક્તિઅોનું સન્માન કરાય છે.
૧૪ વર્ષ પહેલા શરૂ થયેલ 'એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ' દ્વારા વિવિધ ચેરીટી માટે લાખ્ખો પાઉન્ડની રકમ એકત્ર કરાઇ છે અને આ વર્ષે આ માટે 'શેરી બ્લેર ફાઉન્ડેશન ફોર વિમેન'ની પસંદગી કરાઇ હતી. જેના માટે લોર્ડ જેફરી આર્ચરે કાર્યક્રમની સાંજે હરાજી કરી £૧૦૦,૦૦૦ કરતા વધારે રકમ એકત્ર કરી હતી. આ રકમ ભારતની અધિકારવંચિત મહિલાઅો અને તેમના પરિવારને વેપાર, વેપારની વિકાસની તકો તેમજ લાભો માટે વાપરવામાં આવે છે. ગત તા. ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ લંડનના પાર્ક લેન ખાતે આવેલી ભવ્ય ગ્રોવનર હાઉસ હોટેલ ખાતે ઝઘમગતા 'એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ – ૨૦૧૪' કાર્યક્રમમાં એવોર્ડ્ઝ વિજેતાઅોના નામની ઘોષણા કરાઇ હતી. જેમાં મિડીયા, આર્ટ્સ અને કલ્ચર ક્ષેત્રે હનિફ કુરેશી CBE, બુહુ.કોમના સહસ્થાપક મહમુદ કામાણીને બિઝનેસ પર્સન અોફ ધ યર એવોર્ડ્ઝ અને ઇંગ્લેન્ડ વતી પ્રોફેશનલ ક્રિકેટ રમનાર પ્રથમ બ્રિટીશ પાકિસ્તાની વાસીમ ખાન MBE ને એચિવમેન્ટ ઇન કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ એનાયત કરાયા હતા.
આપ ભલે સદેહે આ ભવ્ય એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહી શક્યા ન હો, પરંતુ આપ ઘરે બેઠા તા. ૬ ડિસેમ્બર, ૨૦૧૪ શનિવારના રોજ સાંજે ૫-૩૦થી ૭ દરમિયાન B4U મ્યુઝિક સ્કાય ચેનલ ૭૮૧ અને વર્જીન મીડીયા ૮૧૬ ઉપર ભવ્ય કાર્યક્રમને નિહાળી શકશો.