એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ (ABPL) દ્વારા આયોજિત ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સ (AAA) સિતારાઓથી ઝળહળતો કાર્યક્રમ છે, જ્યાં સમાજના જાણીતા અને પ્રતિષ્ઠિત મહાનુભાવો એવોર્ડ્સના નોમિનીઝ દ્વારા સમાજને પ્રદાન અને તેમની સખત મહેનતની કદર કરવાની ઉજવણીમાં ઉપસ્થિત રહે છે. દર વર્ષે યોજાતા એશિયન એચિવર્સ એવોર્ડ્સનો આ ૧૫મો વાર્ષિક સમારંભ છે, જે શુક્રવાર, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૫ના દિવસે પ્રતિષ્ઠિત ગ્રોવનર હાઉસ હોટેલ ખાતે યોજાશે.
સમગ્ર એશિયન સમુદાયમાં તમામ બિઝનેસીસ અને વ્યવસાયો સાથે સંકળાયેલા વ્યક્તિવિશેષોના ઉત્કૃષ્ટ કાર્યો તેમજ યુકેની એશિયન કોમ્યુનિટીમાં સર્વશ્રેષ્ઠ લોકોની સિદ્ધિઓની કદર AAA દ્વારા કરવામાં આવે છે. દર વર્ષે આ એવોર્ડ્સમાં સમાજના ચોક્કસ પાસાને પ્રદર્શિત કરવામાં આવે છે અને આ વર્ષે યુનિફોર્મ્સ અને સિવિલ સર્વિસીસ ક્ષેત્રને પ્રાધાન્ય અપાશે. બ્રિટનમાં વંશીય લઘુમતીઓના ૫.૬ ટકા પુરુષ અને સ્ત્રીઓ આર્મ્ડ ફોર્સીસ અને ૨.૯ ટકા મિનિસ્ટ્રી ઓફ સિવિલ ડિફેન્સીસમાં સેવા આપે છે. AAA દ્વારા આ વર્ષના એવોર્ડ્સને યુનિફોર્મ્સ એન્ડ સિવિલ સર્વિસીસના થીમ તરીકે રાખીને આર્મ્ડ ફોર્સીસ અને સિવિલ સર્વિસીસમાં સેવા આપતા સભ્યોની સિદ્ધિઓને આદરાંજલિ આપવાનું પસંદ કરાયું છે.
ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સ હંમેશાં ચેરિટીઝને સપોર્ટ કરે છે તેમજ જરુરિયાતમંદ લોકોના કલ્યાણ માટેના સારા ઉદ્દેશમાં સાથ આપી દાન કરવા લોકોને પ્રોત્સાહિત કરે છે. આ વર્ષની સ્પોન્સર્ડ ચેરિટી સમગ્ર વિશ્વની મહિલાઓની સંભાળ તરફ ધ્યાન કેન્દ્રિત કરતી સંસ્થા લૂમ્બા ફાઉન્ડેશન છે. લોર્ડ રાજ લૂમ્બા અને તેમના પત્ની લેડી વીણા લૂમ્બા દ્વારા ૨૬ જૂન, ૧૯૯૭ના દિવસે યુકેમાં ચેરિટેબલ ટ્રસ્ટ ડીડ તરીકે લૂમ્બા ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી.
૨૦૧૪માં લંડનસ્થિત અને વૈશ્વિક વ્યાપ ધરાવતા શેરી બ્લેર ફાઉન્ડેશનને સ્પોન્સર્ડ ચેરિટી તરીકે પસંદ કરાયું હતું. ફાઉન્ડેશનનો ઉદ્દેશ સ્ત્રીઓને લઘુ અને વિકસતા બિઝનેસ માલિક બનાવવા માટે આવશ્યક કૌશલ્ય, ટેકનોલોજી, નેટવર્ક્સ અને મૂડીની સુવિધા પૂરી પાડવાનો છે, જેથી તેઓ તેમના અર્થતંત્રોમાં પ્રદાન આપવા સાથે પોતાના સમાજોમાં મજબૂત અવાજ ધરાવી શકે. AAA મારફત શેરી બ્લેર ફાઉન્ડેશને £૧૦૦,૦૦૦ની જંગી રકમ એકત્ર કરી હતી.
આ કાર્યક્રમમાં વિવિધ સન્માનીય ક્ષેત્રોના પ્રતિષ્ઠિત નોમિનીઝ હતા અને એવોર્ડવિજેતાઓમાં ૨૦૧૪માં મીડિયા, આર્ટ્સ એન્ડ કલ્ચર ક્ષેત્રમાં ઈંગ્લિશ નાટ્યકાર/ સ્ક્રીનરાઈટર/ ફિલ્મનિર્માતા/ નવલકથાકાર હનીફ કુરેશી CBE; ૨૦૧૪ના સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ યરના વિજેતા સ્પોર્ટ્સ કાઉન્સિલ ફોર ગ્લાસગોના ઈલેક્ટેડ ડિરેક્ટર દિલાવરસિંહ; ૨૦૧૪ના બિઝનેસ પર્સન ઓફ યર વિજેતા અને બૂહૂના સ્થાપક મહમૂદ કામાણીનો સમાવેશ થાય છે.
આ વર્ષના એવોર્ડ્સની કેટેગરીમાં યુનિફોર્મ્ડ એન્ડ સિવિલ સર્વિસીસ, એન્ટ્રપ્રીન્યોર ઓફ ધ યર, પ્રોફેશનલ ઓફ ધ યર, એચિવમેન્ટ ઈન મીડિયા, આર્ટ્સ એન્ડ કલ્ચર, એચિવમેન્ટ ઈન કોમ્યુનિટી સર્વિસ, વુમન ઓફ ધ યર, સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર, બિઝનેસ પર્સન ઓફ ધ યર, ઈન્ટરનેશનલ પર્સનાલિટી ઓફ ધ યર અને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડનો સમાવેશ થાય છે.
પોતાની પસંદગીની કોઈ વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં આ એવોર્ડ હાંસલ કરવા લાયક હોવાનું માનતા વાચકો પાસે તેમને નોમિનેટ કરવાની તક છે અને જજીસની સ્વતંત્ર પેનલ આપસી ચર્ચા પછી વિજેતાઓની પસંદગી કરશે. એવોર્ડવિજેતા કોણ હશે તેના નિર્ણયમાં ABPL ગ્રૂપની કોઈ જ ભૂમિકા નથી તેમજ નિર્ણયપ્રક્રિયા સંબંધે પ્રજાના સભ્યો સાથે તેઓ કોઈ ચર્ચામાં ઉતરશે નહિ.
અનેરી સિદ્ધિ મેળવનાર તમારી પસંદગીના વ્યક્તિને નોમિનેટ કરવા માટે આ સાથે આપેલું ફોર્મ ભરીને અમને તા. ૨૪ જુલાઈ ૨૦૧૫ સુધીમાં મોકલી આપશો.