એશિયન ગ્રૂપ્સને નેશનલ લોટરી ફંડમાંથી માત્ર ૨ ટકાની ફાળવણી

કાંતિ નાગડા, MBE Wednesday 22nd July 2020 06:23 EDT
 
 

લોકડાઉનના નિયંત્રણો હળવા કરાઈ રહ્યા છે અને બ્રિટિશરો કોવિડ-૧૯ કટોકટીના નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છે ત્યારે લોકડાઉનના સમયગાળા દરમિયાન, એશિયન સ્થાનિક કોમ્યુનિટી જૂથો અને ચેરિટીઝ તેમજ ખાસ કરીને ઈંગ્લેન્ડમાં આવી સંસ્થાઓમાં શું થયું તેની હું ચકાસણી અને બારીક છણાવટ કરવા માગું છું.
લઘુમતી પશ્ચાદભૂ ધરાવતા લોકોને કોવિડ-૧૯ની અપ્રમાણસર અસર થઈ છે. સંશોધન અભ્યાસો જણાવે છે કે BAME વસ્તીનું ઊંચુ પ્રમાણ ધરાવતા વિસ્તારોમાં કોરોના વાઈરસથી મોતને ભેટનારાની સંખ્યા વધારે હતી. એશિયન કોમ્યુનિટીઓમાં જણાયેલી આરોગ્યની અસમતુલાએ કોમ્યયુનિટીના અગ્રણીઓને આ ખાઈ પૂરવામાં મદદ માટે હેલ્થ ડિપાર્ટમેન્ટ્સ સમક્ષ રજૂઆતો કરવા પ્રવૃત્ત કર્યા હતા.
લોકડાઉનનો આરંભ થયો ત્યારથી જ એશિયન કોમ્યુનિટીના ગ્રૂપ્સ જરુરિયાતમંદોને સહાય કરવા અથાક કામગીરી બજાવી રહ્યા છે. આમાં હજારો લોકોને દરરોજ શાકાહારી અને સ્પેશિયલ ડાયેટના ભોજન પૂરા પાડવાનો, એકાંતવાસ સેવતા લોકોને ખરીદારી અને દવાઓ મેળવવામાં મદદ, ઝૂમ દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓ કરવાનો, આવશ્યક PEP પૂરાં પાડવા, વેલ્ફેર બેનિફિટ્સ મેળવવામાં લોકોને મદદ, માનસિક આરોગ્યની સમસ્યા સાથેના લોકોના કાઉન્સેલિંગ તેમજ કોમ્યુનિટીને સલામત રાખવાની અનેક પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. એશિયન સંસ્કૃતિના આધારરુપ નિઃસ્વાર્થ સેવાના મંત્રને અનુસરી ગુરુદ્વારાઓ, ઈસ્માઈલી જમાત ખાનાઓ, હિન્દુ મંદિરો, જૈન કેન્દ્રો, મસ્જિદો, આધુનિક ઈવેન્જલિકલ ચર્ચો અને કોમ્યુનિટી સેન્ટર્સ દ્વારા પણ સેવા આપવામાં આવી હતી.

ાન્સેલર રિશિ સુનાકે ૮ એપ્રિલ ૨૦૨૦ના રોજ ‘ચેરિટીઝ કોરોના વાઈરસ રોગચાળા દરમિયાન તેમની મહત્ત્વપૂર્ણ સેવા ચાલુ રાખી શકે તેની ચોકસાઈ રાખવા’ ૭૫૦ મિલિયન પાઉન્ડના પેકેજની જાહેરાત કરી હતી. આપણે આપણી જાતને એક પ્રશ્ન પૂછવાની જરુર છે કે લોકલ ઓથોરિટીઝ, સરકારી વિભાગો, ગ્રાન્ટ આપતી મુખ્ય સંસ્થાઓ તેમજ અન્ય સુસ્થાપિત જૂથોએ આમાંથી કેટલું ભંડોળ એશિયન કોમ્યુનિટીઓને ફાળવવામાં આવ્યું છે તે શોધવાનો કે જાણવાનો શા માટે કોઈ જ પ્રયાસ કર્યો નથી?

ભંડોળ આપનારાની સત્તાઓ વિશે સમજીએ

મોટા ભાગનું આ ભંડોળ સરકારી ડિપાર્ટમેન્ટ્સ દ્વારા સીધું જ ચેરિટીઝને આપવામાં આવે છે અને સરકાર પણ મોટા પાયે આખરી નિર્ણય લેવાની સત્તા અન્યને સોંપવા માટે ઈચ્છુક જણાઈ છે. આ કુલ પેકેજમાંથી ૨૦૦ મિલિયન પાઉન્ડ સ્થાનિક કોમ્યુનિટી ગ્રૂપ્સ અને ચેરિટીઝને વહેંચવાના હેતુસર નેશનલ લોટરી કોમ્યુનિટી ફંડને આપવામાં આવ્યા હતા. લઘુમતી કોમ્યુનિટીઓનું યોગ્યપણે પ્રતિનિધિત્વ કરાય છે અને તેમને સહાય કરાય છે તેની ચોકસાઈ કરવાની હોય તેવા સંજોગોમાં, જ્યારે કટોકટી દરમિયાન તેમને ભારે અસર પહોંચતી હોય તે સમયમાં તો ખાસ, ફંડ આપનારાઓ પાસે વિશાળ સત્તા હોય છે.
એશિયન ગ્રૂપ્સ અને ચેરિટીઝ સાથે મારા સંપર્કોના કારણે હું બરાબર જાણું છું કે તેઓ આ ભંડોળ કેવી રીતે મેળવી શકે તે બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં કરવામાં આવી નથી તેમજ ભંડોળની ફાળવણી કેવી રીતે કરાય છે તે બાબતે પણ ભારે ગૂંચવાડો જ રહ્યો છે.
મેં ૨૦૦ મિલિયન પાઉન્ડની ગ્રાન્ટ્સની પ્રાથમિક ફાળવણી મુદ્દે તપાસ કરી તો તેનાથી સ્પષ્ટ થયું કે આ ફાળવણીમાં એશિયન કોમ્યુનિટીને કેટલો અન્યાય થયો હતો.
લોકડાઉનના મહિનાઓ દરમિયાન, £૧૦,૦૦૦ થી £૪૯,૯૯૯ વચ્ચેની ગ્રાન્ટ્સ નેશનલ લોટરી કોમ્યુનિટી ફંડ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. કુલ £૭,૧૫૭,૬૧૨ની ગ્રાન્ટ્સ ૫૧૮ પ્રોજેક્ટ્સ વચ્ચે વહેંચવામાં આવી હતી. આમાંથી માત્ર ૭ સંસ્થા એશિયન કોમ્યુનિટીઝ સાથે સંકળાયેલી હતી અને તેમને કુલ ફાળવણીના માત્ર બે ટકા- £૧૫૮,૨૫૦ મળ્યાં હતાં.
આ સાત સંસ્થાઓ નીચે મુજબ છેઃ
૧. બાંગલાદેશ યુથ શોમિટો, લેસ્ટર – £૪૫,૦૦૦
૨. કિટકિટ પાથવેઝ ટુ કિકવરી, બર્મિંગહામ – £૩૨,૪૫૫
૩. તારા સેન્ટર, લેન્કેસ્ટર – £૩૬,૬૦૬
૪. બાંગલાદેશી ઈસ્લામિક એસોસિયેશન, સેન્ડવેલ – £૧૪,૧૮૯
૫. નસીબ બેડમિન્ટન ક્લબ, નોટિંગહામ - £૧૦,૦૦૦
૬. જેત સિંહ ટ્રસ્ટ, સ્ટાફોર્ડશાયર, £૧૦,૦૦૦
૭. શિખ કોમ્યુનિટી સેન્ટર, નોર્ધમ્પ્ટન - £૧૦,૦૦૦
હવે, £૫૦,૦૦૦ થી £૯૯,૯૯૯ વચ્ચેની ગ્રાન્ટ્સ બાબતે વધુ તપાસમાં જાણકારી પ્રાપ્ત થઈ કે કુલ £૩,૮૨૩,૮૯૧ની ગ્રાન્ટ્સ ૫૪ ગ્રૂપ્સ વચ્ચે વહેંચવામાં આવી હતી અને તેમાંથી પણ £૧૬૧,૩૫૦ જેટલી નજીવી રકમ બે BAME ગ્રૂપને આપવામાં આવી હતી. આ બે ગ્રૂપ છેઃ
૧. વોલ્સાલ બ્લેક સિસ્ટર્સ – £૭૧,૬૯૬
૨. સાઉથોલ બ્લેક સિસ્ટર્સ – £૮૯,૬૫૪
આ પુરાવા નરી વાસ્તવિકતા દર્શાવે છે કે નેશનલ લોટરી ગ્રાન્ટ્સ ભાગ્યેજ એશિયન કોમ્યુનિટી સુધી પહોંચી છે. એમ જણાય છે કે ઓફિસરો આ આંકડાઓ પ્રસિદ્ધ કરવા જરા પણ આતુર નથી કારણકે તેનાથી તમામ એશિયનો સમૃદ્ધ છે અને તેથી તેમને કોઈ ભંડોળની આવશ્યકતા નથી એ પ્રકારના તેમના પૂર્વગ્રહ અને કલ્પિત માન્યતાનો પર્દાફાશ થઈ ગયો હોત.

અન્યાયના સામનાનો સમય પાકી ગયો છે

વર્ષોથી એશિયનો વિશે સંસ્થાગત માન્યતાઓ ચાલતી આવે છે અને તેમાં પણ તેઓ બધા ધનવાન છેની માન્યતા વિશેષ છે પરંતુ, કોરોના વાઈરસ મહામારીએ વાસ્તવિકતાનું દર્શન કરાવ્યું છે.

ઈક્વલિટી કમિશને તપાસ કરવાની જરુર છે

આમાં કોઈ પરિવર્તન નહિ આવે તો, એશિયન ગ્રૂપ્સની ઉપેક્ષા-અવગણના થતી જ રહેશે, ભલે તે અર્ધસરકારી સંસ્થાઓ (quangos) હોય, સ્થાનિક ઓથોરિટીઝ હોય કે પછી સરકારી ડિપાર્ટમેન્ટ્સ. એ સમય પાકી ગયો છે કે ઈક્વલિટીઝ કમિશન આ પૂર્વગ્રહ બાબતે ગંભીરતા અને ઊંડાણપૂર્વક તપાસ કરવા આગળ આવે. આ સંદર્ભે મેં આવી અસમાનતાની તમામ વિગતો ઈક્વલિટી એન્ડ હ્યુમન રાઈટ્સ કમિશન (EHRC)ને સુપરત કરી છે. ઈક્વલિટી એક્ટ ૨૦૦૬ હેઠળ આ વૈધાનિક બિન-વિભાગીય જાહેર સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. આ કમિશન સ્વતંત્રપણે કામગીરી બજાવે છે અને તેનું કાર્ય વાજબીપણા, ગૌરવ અને આદરના લોકોના અધિકારોની રક્ષા કરતા કાયદાઓની સુરક્ષા અને અમલપાલન થકી બ્રિટનને વધુ નિષ્પક્ષ બનાવવામાં મદદ કરવાનું છે.
હું તેઓને ભેદભાવને પડકારવાના, તકની સમાનતાને પ્રોત્સાહિત કરવા અને માનવ અધિકારોના રક્ષણ માટેના તેમની વિશિષ્ટ સત્તાઓનો ઉપયોગ કરવા જણાવી રહ્યો છું.
ગ્રાન્ટ ઓફિસર્સ તરીકેની જવાબદારીમાં એશિયનોને યોગ્ય પ્રતિનિધિત્વ મળશે નહિ ત્યાં સુધી તો એશિયનો વિરુદ્ધનો પૂર્વગ્રહ ચાલતો જ રહેશે. હાલમાં તો સંખ્યા જો હોય તો, (લોટરી બોર્ડ દ્વારા ચોક્કસ આંકડા અપાતા નથી) નજીવી જ છે.
નેશનલ લોટરી ઈંગ્લેન્ડ બોર્ડમાં પણ આવો જ પ્રતિનિધત્વનો મુદ્દો રહ્યો છે જેના પાંચ સભ્યો આ પ્રમાણે છેઃ • જ્હોન મધરસોલ • મેગી જોન્સ • ટાર્ન લેમ્બ • કેવિન બોન • રોઝી ગિન્ડે • રે કોયલ
અધ્યક્ષ જ્હોન મધરસોલે યુકેમાં લંડન સહિતના શહેરોમાં વરિષ્ઠ લોકલ ગવર્મેન્ટના હોદ્દાઓ પર ફરજ બજાવી છે અને છેલ્લે તેઓ શેફિલ્ડ સિટી કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ હતા.
ઈંગ્લેન્ડમાં એશિયનોની વસ્તી વધી રહી છે તેને ધ્યાનમાં રાખતા કમિટીમાં જો બે નહિ તો ઓછામાં ઓછું એક સભ્યપદ પણ એશિયનોને મળે તેવી અપેક્ષા રાખવી જરા પણ ખોટી ન કહેવાય. આખરે, સરકારના કેબિનેટ મિનિસ્ટરના સર્વોચ્ચ સ્તરે એશિયન પ્રતિનિધિત્વ છે ત્યારે આ બધી કમિટીઓએ તેનું અનુસરણ ન કરવું જોઈએ?
કમનસીબે, મેં જ્યારે બોર્ડને વહેંચણી માટે પબ્લિક ફંડ આપવા માટે જવાબદાર ચાન્સલેર અને મિનિસ્ટરને પડકારવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ ટિપ્પણી માટે મળ્યા નહિ.
ચાન્સેલરની ઓફિસ દ્વારા મને ડિપાર્ટમેન્ટ ફોર ડિજીટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સનો સંપર્ક સાધવા સૂચના અપાઈ અને ત્યાંથી તો શરૂઆતમાં જ મને ફંડનું વ્યવસ્થાપન કરતા નેશનલ લોટરી કોમ્યુનિટી ફંડનો સંપર્ક સાધવા જણાવી દેવાયું હતું.
છેલ્લાં સાત વર્ષથી નેશનલ લોટરી કોમ્યુનિટી ફંડના ચીફ એક્ઝિક્યુટિવનો હોદ્દો સંભાળી રહેલાં અને આ વર્ષના અંત ભાગમાં આ હોદ્દો છોડનારા ડોન ઓસ્ટવિકે જણાવ્યું છે કે BAME માળખાકીય સંસ્થાઓ માટે લાંબા ગાળાના ફંડિંગનો અભાવ છે અને તેમાં વધુ પ્રગતિ થાય તેવું તેઓ ઈચ્છે છે.
મેં જ્યારે ટિપ્પણ માટે મિસ એલી દ ડેકર, હેડ ઓફ ઈંગ્લેન્ડ ફંડિંગ ઓફિસનો સંપર્ક કર્યો ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે,‘ તમારા ડેટા વિશે કોઈ ટીકા-ટિપ્પણ કરતાં પહેલા અમારે તે ડેટા સચોટ અને સાચો છે કે નહિ તે જોવું જરૂરી છે. તેમાં અમારી મદદ માટે તમે નીચેના મુદ્દા વિશે સ્પષ્ટતા કરી શકશો ?
૧. આ ડેટા ક્યાંથી મળ્યો - તેનો સ્રોત ?
૨. તમે જે ડેટાનો ઉપયોગ કર્યો છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીનો છે ?
૩. ‘એશિયન સંસ્થાઓ’ નિર્ધારિત કરવા માટે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો ?
આ પ્રકારના ચોક્કસ અન્યાયનો મુદ્દો એશિયન કોમ્યુનિટીના અગ્રણીઓના મનમાં કેમ ન આવ્યો તે સમજવું ખૂબ મુશ્કેલ છે અને તેને પડકારવામાં પણ આવ્યો નથી. ઈક્વલિટીઝ કમિશને પબ્લિક ઈન્ક્વાયરીને સમર્થન આપે તેવો પુરાવો છે કે નહિ તે શોધવા અને તેને સ્થાપિત કરવા માટે લોટરી બોર્ડ અને તેના જેવી અન્ય ફંડિંગ સંસ્થાઓની શરમજનક વર્તણુંકની તપાસ કરવાનો આજ દિન સુધી વિચાર કર્યો નથી.
ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી અને ઈન્ડિયા લીગના સી. બી. પટેલે જણાવ્યું હતું કે બ્રિટિશ જાહેર સંસ્થાઓ- એસ્ટાબ્લિશમેન્ટ એશિયનોને બૃહદ સમાજના ભાગરૂપ ગણે અને અન્યો સાથે કરાતો સમાનતાપૂર્ણ વ્યવહાર તેમની સાથે પણ કરે તેવો સમય પાકી ગયો છે.
એશિયન લેડીઝ ગ્રૂપના મિસ શાહે જણાવ્યું હતું કે એશિયન કોમ્યુનિટી હંમેશા સ્વાશ્રયમાં માને છે અને આ કારણથી જ આપણા ટેક્સના નાણાં આપણા જ કલ્યાણ માટે ઉપયોગમાં લેવાતા નથી.
નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લોટરી બોર્ડ એવું વિચારે છે કે આપણે સૌ ઠગ-ધુતારા છીએ. પરંતુ, ગુનેગારોની સંખ્યામાં ભારતીય કોમ્યુનિટીની સંખ્યા સૌથી ઓછી છે તે હકીકત સ્વીકારવામાં તે નિષ્ફળ રહ્યું છે.
આ હડહડતા ભેદભાવમાંથી બહાર કાઢે તેવા સમર્થ નેતાઓની આપણને જરૂર છે કારણ કે આપણે લોટરી બોર્ડ જેવી સંસ્થાઓના અન્યાયને જતો કરીએ છીએ અને સામાજિક કે રાજકીય ક્રાન્તિ માટે નીચલા થરના લોકોને ઉશ્કેરનારાઓ મલાઈ ખાતા રહે છે તે નિહાળવા છતાં, મૂક બહુમતી મોઢાં વકાસીને રહે છે.

(કાંતિ નાગડાએ ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ માટે આ વિશેષ તપાસ હાથ ધરી હતી.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter