એશિયન વોઈસ પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્ઝથી કોમ્યુનિટી સિદ્ધિઓના દાયકાની ઉજવણી

- રુપાંજના દત્તા Wednesday 16th March 2016 10:34 EDT
 
 

આ વર્ષે ધ એશિયન વોઈસ પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્ઝ (AVPPL)ના એક દાયકાની ઉજવણી પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરની અંદર નવા સ્થળે કરાઈ હતી. વિવિધ કાર્યક્ષેત્રમાં બ્રિટિશ નાગરિકોની સિદ્ધિઓની કદર કરવા આ એવોર્ડ્ઝનું આયોજન કરાયું હતું.

આમંત્રિત મહેમાનો અને વિજેતાઓના આગમન સાથે થેમ્સના નજારા સાથે ધ ટેરેસ પેવેલિયનમાં ઉત્સાહનો સંચાર જોવા મળ્યો હતો. આ વર્ષના એવોર્ડ્ઝમાં સ્પોર્ટ્સમેન ઓફ ધ યર એવોર્ડ આગળ તરી આવ્યો હતો. ઈંગ્લિશ પ્રીમિયર લીગમાં લેસ્ટર ફૂટબોલ ક્લબ માટે અતુલનીય પરફોર્મન્સીસ સાથે વિશ્વને ચકિત કરી દેનારા ઉભરતા ફૂટબોલ સ્ટાર રિયાદ માહરેઝના ફાળે આ એવોર્ડ આવ્યો હતો. માહરેઝની સાથે તેની પત્ની, ક્લબનો મિડફિલ્ડર ન‘ગોલો કાન્ટે, ચીફ એક્ઝીક્યુટિવ સુસાન વ્હીલાન, ડિરેક્ટર ઓફ ફૂટબોલ જોન રડકિન અને તેમના પરિવારજનો ઉપસ્થિત હતા.

કાર્યક્રમમાં ઉદ્ઘોષિકાનું કાર્ય શીના ભટ્ટીસાએ સંભાળ્યું હતું અને હાઉસ ઓફ કોમન્સના સ્પીકર જ્હોન બેર્કો સમારંભના અતિથિવિશેષ હતા, જેમણે એવોર્ડ્ઝના સહ-યજમાન અને સાંસદ કિથ વાઝનો યથોચિત પરિચય આપ્યો હતો. આ વર્ષે જૂન મહિનામાં કિથ વાઝ સાંસદ તરીકે ૨૯ વર્ષ પૂરા કરી રહ્યા છે ત્યારે સ્પીકરે સારા ઉદ્દેશો સાથે સંકળાવા અને અંગત અને સામાજિક રીતે પણ તમામ શક્ય માર્ગે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવાની સાથોસાથ હાઉસ ઓફ કોમન્સના ઉદ્યમી અને ખંતીલા સભ્ય તરીકે તેમનો આભાર માન્યો હતો.

AVPPL એવોર્ડ્ઝ વિશે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી અને યજમાન સી. બી. પટેલે જણાવ્યું હતું કે,‘યુકેમાં જાહેર જીવન અને પોલિટિક્સમાં નોંધપાત્ર ભૂમિકા ભજવનાર લોકોને સન્માનવાની આ પહેલનો આરંભ રાષ્ટ્રીયતા, વર્ણ, સંપ્રદાય, લિંગ અને રાજકીય જોડાણને ધ્યાનમાં લીધા વિના વિવિધ રીતે પ્રદાન કરનારા તમામનું સન્માન કરવાના નાના પ્રયોગ સાથે કરાયો હતો. હું સાંસદ કિથ વાઝ, તેમની ઓફિસ અને હાઉસ ઓફ કોમન્સના સ્ટાફનો ઘણો જ આભારી છું, જેમણે અમને અત્યાર સુધીના સંતોષપ્રદ તબક્કે પહોંચવા સમર્થ બનાવ્યા છે....’

સાંસદ અને હોમ એફેર્સ સિલેક્ટ કમિટીના ચેરમેન કિથ વાઝે જણાવ્યું હતું કે, ‘આ એવોર્ડ્ઝની વિશિષ્ટતા એ છે કે તેનું આયોજન વિશ્વની પાર્લામેન્ટ્સની માતા બ્રિટિશ પાર્લામેન્ટમાં કરાયું છે અને તેનાથી બ્રિટિશ એશિયન કોમ્યુનિટીને વાસ્તવમાં પ્રભાવિત કરનારા રાજકીય વ્યક્તિત્વોનું સન્માન અને કદર કરવામાં આવેલ છે. વેસ્ટમિન્સ્ટરની બહાર જાહેર અને રાજકીય ક્ષેત્રમાં એશિયન પ્રતિભાની પ્રસિદ્ધિ પણ આ એવોર્ડ્ઝથી થાય છે...’

‘હું આશા રાખું છું કે આ સાંજને એવી રીતે યાદ રાખવામાં આવશે, જ્યાં આપણે સિદ્ધિઓની ઉજવણી કરી એટલું જ નહિ, ભવિષ્ય તરફ પણ નજર રાખી હતી. આપણે વિશ્વના સૌથી બહુસાંસ્કૃતિક રાષ્ટ્રના નાગરિક છીએ અને તમે એ વિશ્વનું દર્પણ છો...’

આ સાંજના સૌથી ધ્યાનાકર્ષક સેલેબ્રિટી વ્યક્તિત્વ રિયાદ માહરેઝે એવોર્ડ સ્વીકારતા કહ્યું હતું કે, ‘આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર અને તેના વાચકોનો ખૂબ ખૂબ આભાર. આજની રાત્રે અહીં ઉપસ્થિત રહેવું અને કેટલાક સબળ એથ્લીટ્સની મધ્યે નોમિનેટ થવું તે મહાન સન્માનની વાત છે.

લેસ્ટર વિશાળ એશિયન કોમ્યુનિટી ધરાવતું ગૌરવશાળી બહુસાંસ્કૃતિક નગર છે, આથી લેસ્ટર સિટી અને લેસ્ટરવાસીઓના પ્રતિનિધિ તરીકે એશિયન વોઈસ પાસેથી આ એવોર્ડ સ્વીકારવો ગૌરવપ્રદ છે. લેસ્ટર સિટીમાં તમામ માટે આ સીઝન નોંધપાત્ર બની રહી છે અને મજબૂત સમાપન તેમજ આપણી કોમ્યુનિટીને ગૌરવ અપાવવા અમે સખત મહેનત કરી રહ્યા છીએ.’

પાર્લામેન્ટેરિયન ઓફ ધ યર એવોર્ડ સ્વીકારતા સાંસદ એન્ગસ રોબર્ટસને સ્કોટલેન્ડમાં નોંધપાત્ર પ્રદાન આપવા બદલ એશિયન કોમ્યુનિટીનો આભાર માન્યો હતો.

'ધ ટાઈમ્સ'ના પ્રતિષ્ઠિત જર્નાલિસ્ટ મેથ્યુ પેરિસે પોતાનો એવોર્ડ સ્વીકારતા 'એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર'નો આભાર માન્યો હતો. તેમણે ચોક્કસ લઘુમતી જૂથના દુર્વ્યવહાર પછી એશિયન કોમ્યુનિટીને દોષિત ગણાવી જે રીતે અપમાનના કે ઉપેક્ષા કરાતી હતી તે અસ્વીકાર્ય હોવાની પોતાની લાગણી વિશે પણ જણાવ્યું હતું.

કોમ્યુનિટી એન્ગેજમેન્ટ એવોર્ડને સ્વીકારતા કન્ઝર્વેટિવ પાર્ટીના ચેરમેન લોર્ડ ફેલ્ડમેન ઓફ એલ્સ્ટ્રીએ ખાતરી આપી હતી કે તેમનો પક્ષ લઘુમતી મૂળના વધુ અને વધુ લોકોને સમાવવા શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે.

ધ કોમ્યુનિટી ઈવેન્ટ ફોર ધ યર એવોર્ડ યુરોપ ઈન્ડિયા ફોરમના ફાળે ગયો હતો. એવોર્ડ સ્વીકારતા મનોજ લાડવાએ ગત નવેમ્બરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વેમ્બલી સ્ટેડિયમ કાર્યક્રમને અપ્રતિમ સફળ બનાવવામાં પ્રયાસો બદલ તમામ વેલકમ પાર્ટનર્સનો આભાર માન્યો હતો. MLS Chase Group ગ્રૂપના સ્થાપક અને સીઈઓ તથા UK Welcomes Modi Eventના કોઓર્ડિનેટર મનોજ લાડવા એ જ સાંજે બ્રસેલ્સથી પરત ફર્યા હતા, જ્યાં ઈન્ડિયન ડાયસ્પોરા ૩૦ માર્ચે નરેન્દ્ર મોદીના સ્વાગતની તડામાર તૈયારી કરી રહેલ છે. તેમણે સી. બી. પટેલ અને ‘લેસ્ટરના મહાત્મા’ કિથ વાઝને ભારતીય વડા પ્રધાનનો ખાસ સંદેશો પણ પાઠવ્યો હતો. આખરમાં ફોરમને વિજેતા તરીકે પસંદ કરવા બદલ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના વાચકોનો આભાર માનવા સાથે મનોજ લાડવાએ બ્રિટનને ઈયુમાં જ રહેવાનો અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમ માટેની ચેરિટી સંસ્થા સિલ્વર સ્ટાર હતી, જ્યારે કેટલાંક રેફલ પ્રાઈઝમાં જેટ એરવેઝની ગુડી બેગ્સ, ટ્રાવેલપેકનું ૫૦૦ પાઉન્ડનું વાઉચર, માહરેઝના હસ્તાક્ષર સાથે લેસ્ટર ટીમનું ટી-શર્ટ, મોટું ટેડી બેર અને સ્મિરનોફની બોટલનો પણ સમાવેશ થયો હતો.

ફોટો સૌજન્યઃ રાજ ડી. બકરાનીઆ, PrMediapix

વિજેતાની સંપૂર્ણ યાદી બાકી..........


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter