લંડનઃ તાજેતરમાં જારી કરાયેલા એક સ્વતંત્ર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઇંગ્લીશ કાઉન્ટી એસેક્સ માટે રમતા સંખ્યાબંધ ક્રિકેટરો વંશીય ભેદભાવ અને પક્ષપાતી વલણનો ભોગ બન્યાં હતાં. 1990ના દાયકાના મધ્યભાગથી 2013 સુધી ખેલાડીઓના વંશીય સમુદાય, વંશીય ટિપ્પણીઓ અને ધાર્મિક મૂળ પર કરાતી ટિપ્પણીઓ ડ્રેસિંગ રૂમમાં સામાન્ય સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી. બેરિસ્ટર કેથેરાઇન ન્યૂટન દ્વારા જારી કરાયેલા આ રિપોર્ટમાં વંશીય ભેદભાવનો સામનો કરનારા ક્રિકેટરોના નામ જાહેર કરાયાં નથી.
એસેક્સ કાઉન્ટી માટે રમનારા ખેલાડીઓ જાહિદ એહમદ. મોરિસ ચેમ્બર્સ અને જોહેબ શરિફ દ્વારા મૂકાયેલા આરોપો બાદ કાઉન્ટી દ્વારા 2021માં તપાસ શરૂ કરાઇ હતી. ઇંગ્લિશ ક્રિકેટમાં વ્યાપક ભેદભાવ કરાતા હોવાના ઇન્ડિપેન્ડન્ટ કમિશન ફોર ઇક્વિટી ઇન ક્રિકેટ દ્વારા જૂન મહિનામાં જારી કરાયેલા રિપોર્ટ બાદ હવે એસેક્સ કાઉન્ટીની તપાસનો રિપોર્ટ સામે આવ્યો છે.
યોર્કશાયરની ટીમ વતી રમતા પાકિસ્તાની મૂળના બોલર અઝીમ રફીક સાથે થયેલા વ્યવ્હારની ફરિયાદો થયા બાદ આઇસીઇસીની રચના 2021માં કરાઇ હતી. ન્યૂટને તેમના રિપોર્ટના તારણોમાં જણાવ્યું છે કે વંશીય ભેદભાવનો ભોગ બનતા ખેલાડીઓમાં તેમની કારકિર્દીનો ભોગ લેવાઇ જશે તેવો ભય વ્યાપક હતો તેથી તેઓ તેની સામે અવાજ ઉઠાવી શક્તા નહોતા. આ પ્રકારના વંશીય ભેદભાવની ફરિયાદ માટે કોઇ અસરકારક વ્યવસ્થા જ નહોતી. એક ખેલાડીને 11 સપ્ટેમ્બરના આતંકવાદી હુમલા બાદ બોમ્બર કહીને બોલાવવામાં આવતો હતો તો સાઉથ એશિયન મૂળ ધરાવતા ખેલાડીઓને ડ્રેસિંગ રૂમમાં કરી મન્ચરનું સંબોધન કરાતું હતું.

