એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડથી બ્રેઇન સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ

કોરોના વેક્સિનની ગંભીર આડઅસર થતી હોવાની એસ્ટ્રાઝેનેકાની કોર્ટમાં કબૂલાત, પીડિતો અને પરિવારોએ કંપનીની સામે 100 મિલિયન પાઉન્ડનો દાવો માંડ્યો

Tuesday 30th April 2024 11:46 EDT
 
 

લંડનઃ કોરોના વેક્સિન તૈયાર કરનારી કંપની એસ્ટ્રાઝેનેકાએ સૌપ્રથમવાર અદાલતમાં સ્વીકાર્યું છે કે તેની કોરોના વેક્સિનના કારણે ગંભીર આડઅસર થઇ શકે છે. કંપનીની આ કબૂલાતના કારણે તેણે તેના પર ઠોકાયેલા દાવા પેટે ઘણા મિલિયન પાઉન્ડ વળતર તરીકે ચૂકવવા પડી શકે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે મળીને વિકસાવેલી વેક્સિનના કારણે સંખ્યાબંધ કેસમાં મોત અથવા તો ગંભીર આડઅસર થઇ હોવાના કિસ્સા સામે આવ્યા બાદ ફાર્માસ્યુટિકલ જાયન્ટ સામે ઘણા દાવા માંડવામાં આવ્યાં છે.

વકીલો દ્વારા અદાલતમાં રજૂઆત કરાઇ હતી કે વેક્સિનના કારણે થયેલી આડઅસરોના પગલે ઘણા પરિવારો પર વિનાશક અસરો થઇ હતી. એસ્ટ્રાઝેનેકા આ દાવાઓનો સામનો કરી રહી છે પરંતુ તેણે પહેલીવાર અદાલતમાં કબૂલાત કરી છે કે તેની વેક્સિનના કારણે કેટલાક કિસ્સામાં આડઅસર થઇ શકે છે.

કંપનીની સામે યુકેની હાઇકોર્ટમાં 51 કેસ દાખલ કરાયાં છે અને પીડિતો તથા તેમના પરિવારજનો દ્વારા 100 મિલિયન પાઉન્ડ વળતરની માગ કરાઇ છે.

શું આડ અસર થઇ શકે છે

એસ્ટ્રાઝેનેકાએ યુકેની હાઈકોર્ટમાં સ્વીકાર્યું છે કે કોવિડ -19 વેક્સિનના કારણે થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) જેવી સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમને કારણે શરીરમાં લોહી ગંઠાવા (Blood Clot) લાગે છે અથવા શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે. શરીરમાં લોહી ગંઠાઈ જવાના કારણે બ્રેઈન સ્ટ્રોક અથવા હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. એસ્ટ્રાઝેનેકાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સહયોગથી તેની વેક્સિન બનાવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter