લંડનઃ યુકે સરકારે એસ્ટ્રેઝેનેકા વેક્સિનનો ખોરવાયેલો પુરવઠો ફરી ચાલુ કરવા અને ૫૦ વર્ષથી ઓછી વયના લોકો માટે ૫ મિલિયન ડોઝ મેળવવા ભારત સાથે વાતચીત આરંભી છે. ભારત સરકારે ૫૦ વર્ષથી ઓછી વયના બ્રિટિશરો માટે વેક્સિનના ૫ મિલિયન ડોઝ અટકાવી દીધા હોવાનું કહેવાય છે અને આ મુદ્દો ઉકેલવા સરકારી રાહે મંત્રણા શરુ કરાઈ છે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે બ્રિટિશ સાંસદોને જણાવ્યું હતું કે ભારતમાંથી પાંચ મિલિયન એસ્ટ્રેઝેનેકા વેક્સિન ડોઝના શિપમેન્ટમાં વિલંબ યુકેમાં વેક્સિનેશનની અછત માટેનું એક પરિબળ છે.
યુકેમાં આગામી મહિને વેક્સિનેશન કામગીરી ધીરી પડી શકે છે. આ ઉપરાંત, યુકેમાં રહેલી મોટી બેચનું પુનઃ ટેસ્ટિંગ કરવાનું હોવાથી પણ ૧.૭ મિલિયન ડોઝનો વિલંબ થયો છે. જોકે, ભારત સરકારે ઓક્સફર્ડ એસ્ટ્રેઝેનેકા વેક્સિનનો પુરવઠો હંગામી ધોરણે અટકાવ્યો હોવાના સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના વડા અદાર પૂનાવાલાએ કહ્યું હોવાનું પણ ડાઉનિંગ સ્ટ્રીટે નકાર્યું નથી. પૂનાવાલાએ કહ્યું હતું કે વેક્સિનની કોઈ તંગી નથી. યુકેને ચોક્કસ સમયમાં ડોઝ પૂરા પાડવાનું પણ કોઈ કમિટમેન્ટ કરાયું નથી. અમે માત્ર મદદ કરવાની ઓફર કરી હતી. ભારત સરકાર લીલી ઝંડી નહિ આપે ત્યાં સુધી યુકેને વધુ ડોઝ મોકલાશે નહિ. ભારતે યુકેને પાંચ મિલિયન ડોઝ મોકલવાની મંજૂરી આપેલી છે. ભારતની જરુરિયાતોને ધ્યાનમાં લીધા પછી યોગ્ય સમયે યુકેને પુરવઠો મોકલાશે.
બીજી તરફ, બ્રિટિશ સત્તાવાળાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકાર સાથે યુકે માટે નિકાસ નિયંત્રણો ઉઠાવી લેવા રાજદ્વારી મંત્રણા આરંભી હોવાનું અહેવાલોએ જણાવ્યું છે. યુકે સરકાર ભારત સાથે મંત્રણા કરી રહી હોવાના પ્રશ્ને સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે સરકાર સમગ્ર વિશ્વની અન્ય સરકારો સાથે સતત સંપર્કમાં રહે છે.
અગાઉ, વડા પ્રધાન જ્હોન્સને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પુરવઠા મુદ્દે કેટલાક પ્રશ્નો હોવાં છતાં, જુલાઈના અંત સુધીમાં તમામ વયસ્કોને વેક્સિન ડોઝ આપવાની કામગીરીમાં NHS યોગ્ય રાહ પર છે. તમામ બીજા ડોઝ સમયસર અપાશે અને ફેબ્રુઆરીની સરખામણીએ વધુ ડોઝ પ્રાપ્ય રહેશે. રોડમેપ મુજબ કામગીરી ચાલતી રહેશે અને આપણા પરિવારો અને મિત્રો ફરી એક વખત સ્થાનિક પબ્સ, જિમ્સ, સ્પોર્ટ્સ ફેસિલિટીઝ અને દુકાનોની મુલાકાત લઈ શકશે.
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે કોમન્સમાં જણાવ્યું હતું કે એપ્રિલ મહિનામાં પુરવઠાની સ્થિતિ કઠણ છે અને ગૃહના ઘણા સભ્યો સહિત આશરે ૧૨ મિલિયન લોકો તેમનો બીજો ડોઝ મેળવશે. અગાઉ, હેનકોકે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા માત્ર યુકે માટે નહિ, સમગ્ર વિશ્વ માટે વેક્સિનના ઉત્પાદનનું અકલ્પનીય કાર્ય કરી રહી હોવાનું જણાવી તેનો આભાર માન્યો હતો.