લંડનઃ યુકે અને ભારત વચ્ચેના મુક્ત વેપાર કરારને બ્રિટિશ વડાપ્રધાન સર કેર સ્ટાર્મર અને તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીએ વધાવી લેતાં 24 જુલાઇના ગુરુવારને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. બંને નેતાઓએ જણાવ્યું હતું કે, વેપાર કરારને પગલે બ્રિટિશ ઇકોનોમીને પ્રતિ વર્ષ 4.8 બિલિયન પાઉન્ડનો લાભ થશે અને બ્રિટિશ તથા ભારતીય બિઝનેસો દ્વારા 6 બિલિયન પાઉન્ડનું મૂડીરોકાણ કરાશે.
બકિંગહામશાયરમાં આયલ્સબરી નજીક વડાપ્રધાન સ્ટાર્મરના કન્ટ્રી હાઉસ ચેકર્સ ખાતે વેપાર કરાર પર હસ્તાક્ષર બાદ વડાપ્રધાન મોદીએ ભારત અને યુકેને કુદરતી ભાગીદાર દેશ ગણાવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, ભારત અને યુકેના દ્વિપક્ષીય સંબંધોમાં આ ઐતિહાસિક દિવસ છે. ક્રિકેટનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, અમે હાઇ સ્કોરિંગ મજબૂત ભાગીદારીનું નિર્માણ કરવા પ્રતિબદ્ધ છીએ. અમે ભારત અને બ્રિટનના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખી રહ્યાં છીએ. વડાપ્રધાન મોદીએ સર કેર સ્ટાર્મરને ભારતની મુલાકાતનું આમંત્રણ પણ આપ્યું હતું.
બ્રિટિશ વડાપ્રધાન સ્ટાર્મરે જણાવ્યું હતું કે, 2020માં યુરોપિયન યુનિયન સાથે છેડો ફાડ્યા બાદ બ્રિટને અત્યાર સુધીનો સૌથી મોટો અને આર્થિક રીતે મહત્વનો કરાર કર્યો છે. આ કરાર બ્રિટનનો મોટો વિજય છે અને તેના દ્વારા હજારો નવી નોકરીઓનું સર્જન થશે. ભારત અને બ્રિટન પરિવાર અને સંસ્કૃતિનું ઐતિહાસિક બંધન ધરાવે છે અને અમે આ ભાગીદારીને વધુ મજબૂત કરવા માગીએ છીએ. બંને દેશ વચ્ચેની ભાગીદારી મહત્વાકાંક્ષી, આધુનિક અને લાંબાગાળાની બની રહેશે. આ વેપાર કરાર બંને દેશ વચ્ચેના સંબંધોમાં મહત્વનો બદલાવ લાવશે.
મોદીએ સ્ટાર્મર સમક્ષ આર્થિક અપરાધીઓના પ્રત્યર્પણ અને ખાલિસ્તાની કટ્ટરવાદના મુદ્દા ઉઠાવ્યા
સર સ્ટાર્મર સાથેની મુલાકાતમાં ભારતના વડાપ્રધાન મોદીએ બ્રિટનમાં આશ્રય લઇ રહેલા ભારતના ભાગેડૂ આર્થિક અપરાધીઓના પ્રત્યર્પણમાં મદદ કરવા અપીલ કરી હતી. તેમણે ખાલિસ્તાની કટ્ટરવાદીઓનો મુદ્દો ઉઠાવી લોકશાહીની સ્વતંત્રતાનો દુરુપયોગ કરતા કટ્ટરવાદીઓ સામે પગલાં લેવા પણ આહવાન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં આર્થિક અપરાધ આચરીને બ્રિટન આવેલા અપરાધીઓના પ્રત્યર્પણમાં બ્રિટને મદદ કરવી જોઇએ. તેમના પ્રત્યર્પણ માટે અમારી એજન્સીઓ બ્રિટિશ સરકાર સાથે સંકલન કરીને કામ ચાલુ રાખશે. મોદીએ બ્રિટનની ધરતી પરથી સક્રિય ખાલિસ્તાની કટ્ટરવાદીઓને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે, કટ્ટરવાદી વિચારધારાને લોકશાહીનો દુરુપયોગ કરવાની પરવાનગી આપી શકાય નહીં. બ્રિટિશ સરકારે તેમની સામે પગલાં લેવા જ જોઇએ.