ઐતિહાસિક રેફરન્ડમનું પરિણામ ક્યારે?

Monday 20th June 2016 10:56 EDT
 
 

લંડનઃ ઈયુ રેફરન્ડમ કે જનમત માટે મતદાન કર્યા પછીનો સમય ઘણો કપરો લાગશે કારણકે રાજકીય પક્ષો, સમર્થકો અને વિરોધીઓ સહિત તમામને પરિણામ જાણવામાં રસ હશે. આપણે એટલે કે બ્રિટન ઈયુમાં રહેશે કે બહાર જશે તેનું પરિણામ ક્યારે આવશે? તે જાણવાની રાત ઘણી લાંબી લાગશે. લીવ અને રીમેઈનના કેમ્પેઈનરોને પણ ૨૩મી જૂનની રાત્રિ માનસિક દબાણ અને ચિંતાની બની રહેશે કે બ્રિટનના નાગરિકોએ શો નિર્ણય લીધો છે. વડા પ્રધાન ડેવિડ કેમરને આ રેફરન્ડમના નિર્ણયને કોઈ પણ સામાન્ય ચૂંટણી કરતા વધુ મોટો અને મહત્ત્વનો ગણાવ્યો છે કારણકે તેના પરિણામની અસર દાયકાઓ સુધી રહેશે અને કદાચ જિંદગી પૂર્વવત બનશે પણ નહિ. મોટા ભાગના પરિણામ શુક્રવારની વહેલી સવારના ત્રણથી ચાર વાગ્યા સુધીમાં આવી જવાનો અંદાજ છે.

બ્રિટિશ નાગરિકો માટે ગુરુવાર, ૨૩ જૂને સવારના સાતથી રાતના ૧૦ વાગ્યા સુધીનો સમય મતદાન ચાલુ રહેશે. આ પછી દરેક ચૂંટણીઓમાં થાય છે તેમ તેમના મત સાથેની મતપેટીઓ સ્થાનિક મતગણના કેન્દ્રો પર લઈ જવાશે. ઈયુ રેફરન્ડમની મતગણનામાં સમય તો લાગશે, પરંતુ સામાન્ય કે સ્થાનિક ચૂંટણીઓથી વિપરીત આ ગણતરી તો મતદાનની રાત્રિથી શરુ કરી દેવાશે. સ્થાનિક કાઉન્સિલોમાં તો ગણી વખત બીજા દિવસે મતગણતરી યોજાય છે.

પરિણામ આવતા કેટલો સમય લાગશે?

દરેક પ્રદેશ દ્વારા તેમને મતગણતરીમાં કેટલો સમય લાગશે તેનો અંદાજ આપી દેવાયો છે. ચૂંટણીઓમાં મતગણનામાં પરિણામ જાહેર કરવામાં સુંડરલેન્ડ રીજિયન ઘણા કારણોસર અત્યાર સુધી પ્રથમ રહ્યો છે અને ઈયુ રેફરન્ડમના પરિણામ બાબતે કોઈ અપવાદ નહિ હોય. નોર્ધર્ન આયર્લેન્ડમાં ફોયલ અને લંડનમાં વોન્ડ્ઝવર્થની સાથોસાથ સુંડરલેન્ડે પણ બડાશ મારી છે કે મોડી રાતના ૧૧.૩૦થી રાતના ૧૨.૩૦ સુધીમાં તેઓ પરિણામ જાહેર કરી શકશે. ખબર નહિ, કદાચ તેઓ ગણતરી કરવામાં ભારે ઝડપી હશે.

ધીમી ગતિની ગણતરીમાં ચેશાયર ઈસ્ટ, હારબરો અને વેવનીનો નંબર હશે કારણકે ગણતરી પૂર્ણ કરી તેને વેરિફાય કરવામાં તેમને શુક્રવારની સવારના સાત સુધીનો સમય લાગશે તેમ તેમનું કહેવું છે.

આમ છતાં, મોટા ભાગના પરિણામ અથવા તેના પ્રોજેક્શન્સ શુક્રવારની વહેલી સવારના ત્રણથી ચાર વાગ્યા સુધીમાં આવી જવાનો અંદાજ છે. આપણને તો શુક્રવારની સવારના સાત વાગ્યા પછી જ તમામ પરિણામ જાણવા મળે તેવી શક્યતા છે.

આ પછી શું થશે?

દેશની ૩૮૦ કાઉન્સિલોમાં કરાયેલી મતગણતરીનું સંકલન ૧૨ રીજિયોનલ કેન્દ્રોમાં કરવામાં આવશે. આ કેન્દ્રો પાસેથી રિપોર્ટ્સ મેળવ્યાં પછી માન્ચેસ્ટર ટાઉન હોલમાંથી સત્તાવાર પરિણામ જાહેર કરવામાં આવશે કે બ્રિટિશ પ્રજા ઈયુમાં રહેવા ઈચ્છે કે પોતાના અલગ રાહે ચાલવા ઈચ્છે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter