લંડનઃ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ગર્ભપાતને અપરાધની શ્રેણીમાંથી દૂર કરી દેવાયો છે. એક ઐતિહાસિક પગલામાં સાંસદોએ હાઉસ ઓફ કોમન્સમાં 379 વિરુદ્ધ 137 મતથી કાયદામાં સુધારાને મંજૂરી આપી દીધી હતી. આ સુધારાના કારણે આગામી દાયકાઓમાં રિપ્રોડક્ટિવ રાઇટ્સ પર દૂરોગામી અસરો સર્જાશે.
લેબર સાંસદ ટોનિયા એન્ટોનિઆઝી દ્વારા આ કાયદાકીય સુધારો સંસદમાં રજૂ કરાયો હતો. હવે કોઇપણ મહિલાને પોતાની ગર્ભાવસ્થા અંગે નિર્ણય લેવાના કારણે તપાસ, ધરપકડ, ખટલા અને જેલની સજાનો સામનો કરવો પડશે નહીં.
વર્તમાન કાયદા પ્રમાણે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 24 સપ્તાહથી વધુ સમયના ગર્ભના ગર્ભપાતને અપરાધ માનવામાં આવતો હતો. 24 સપ્તાહથી ઓછા સમયના ગર્ભના ગર્ભપાત માટે પમ બે ડોક્ટરની સહમતિ જરૂરી હતી.
કાયદાકીય સુધારાના કારણે પોતાના એબ્યુઝિવ પાર્ટનર અથવા તો કાયદાના માળખાથી વિપરિત ગર્ભપાત કરાવતા મેડિકલ પ્રોફેશનલ્સના કારણે થતી સજા સામે રક્ષણ મળશે. હાઉસ ઓફ કોમન્સમાં ચર્ચા દરમિયાન સાંસદોએ દલીલ કરી હતી કે વિક્ટોરિયન કાળના કાયદાનો નિસહાય મહિલાઓ સામે ઉપયોગ થતો હતો.