લંડન
બ્રિટનમાં એકતરફ સામાન્ય જનતા વીજળી, ગેસ, પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવની ચક્કીમાં પીસાઇ રહી છે તો બીજી તરફ ગેસ અને ઓઇલ કંપનીઓએ તગડો નફો રળતાં લોકોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. બ્રિટિશ ગેસ કંપનીએ તેના નફામાં પાંચ ગણી વૃદ્ધિ થઇ હોવાથી શેરહોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવવાનું શરૂ કરવાનો નિર્ણય લેતાં તેના માલિક પ્રત્યે ઉગ્ર નારાજગી જોવા મળી રહી છે.
બ્રિટિશ ગેસની માલિક સેન્ટ્રિકાએ વર્ષ 2022ના પ્રથમ 6 મહિનામાં 1.3 બિલિયન પાઉન્ડનો નફો રળ્યો છે જે ગયા વર્ષના સમાન સમયગાળાના 262 મિલિયન પાઉન્ડ કરતાં પાંચ ગણો છે. કંપનીએ જણાવ્યું છે કે બે વર્ષ પછી પહેલીવાર કંપનીએ શેરધારકોને પ્રતિ શેર એક પેન્સ ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે.
બીજીતરફ બ્રિટિશ ઓઇલ કંપની શેલે પણ બીજા છ માસિકમાં 11.5 બિલિયન પાઉન્ડનો નફો કર્યો છે જે ગયા વર્ષના આજ સમયગાળાના 5.5 બિલિયન પાઉન્ડ કરતાં બમણો છે. શેલ કંપનીએ જણાવ્યું છે કે ઇંધણોની ઊંચી કિંમત અને રિફાઇનિંગમાં પ્રોસેસમાં થયેલા લાભના કારણે નફામાં આટલો વધારો થયો છે.
ઇંધણ અને ગેસ કંપનીઓના તગડા નફા પર લિબરલ ડેમોક્રેટ નેતા અને પૂર્વ એનર્જી સેક્રેટરી સર એડ ડેવીએ જણાવ્યું હતું કે, કરોડો લોકો અને વેપાર-ઉદ્યોગ ઇંધણો અને ગેસના તોતિંગ ભાવના ખપ્પરમાં હોમાઇ રહ્યાં છે ત્યારે ઓઇલ અને ગેસ કંપનીઓ તોતિંગ નફો રળી રહી છે.
ઓઇલ અને ગેસ કંપનીઓ પર વિન્ડફોલ ટેક્સ લાદવાની ઉગ્ર માગ
ઓઇલ અને ગેસ કંપનીઓની તગડી કમાણીને જોતાં હવે તેમના પર વિન્ડફોલ ટેક્સ લાદવાની માગ ઉગ્ર બની રહી છે. સર એડ ડેવી કહે છે કે આમ જનતાને રાહત આપવા માટે ભંડોળ એકઠું કરવા સરકારે વધુ આકરો વિન્ડફોલ ટેક્સ નાખવો જોઇએ. એનજી કેમ્પેનર સના યુસુફે જણાવ્યું હતું કે, ઓઇલ અને ગેસ કંપનીઓના નફાનો ઉપયોગ મોંઘવારીનો સામનો કરી રહેલા પરિવારોની મદદ માટે કરવો જોઇએ.


