ઓક્ટોબર 2024થી ફ્રોડ માટે બેન્કો ગ્રાહકોને આપોઆપ રિફંડ આપશે

Wednesday 03rd January 2024 09:03 EST
 

લંડનઃ નવા સ્કેમ એન્ડ ફ્રોડ રૂલ્સ અંતર્ગત બેન્ક ગ્રાહકોને તેમની બેન્ક દ્વારા આપોઆપ રિફંડ અપાશે. 7 ઓક્ટોબર 2024થી ઓથોરાઇઝ્ડ પુશ પેમેન્ટ અંતર્ગત બેન્કોએ બેન્ક ટ્રાન્સફર સ્કેમનો ભોગ બનેલા ગ્રાહકોને રિફંડ ચૂકવવાનું રહેશે. અત્યારે એપીપી સ્કેમ્સનો ભોગ બનેલા ગ્રાહકોને બેન્કો દ્વારા રિફંડ ચૂકવાતું નથી. જોકે કેટલીક બેન્કો દ્વારા વોલન્ટરી કોડ ઓફ પ્રેકટિસ અંતર્ગત રિફંડ ચૂકવાય છે. જેમાં ગ્રાહકે બેન્કને સ્કેમની ફરિયાદ કર્યા બાદ પાંચ વર્કિંગ ડેમાં રિફંડ ચૂકવી અપાય છે. જોકે કેસની જટિલતાના આધારે રિફંડ ચૂકવવામાં આવે છે. જો બેન્કને તમારી પાસેથી વધુ પુરાવા મેળવવા માટે વધારાના સમયની જરૂર પડે તો તેણે 35 વર્કિંગ ડેમાં રિફંડ આપવું પડશે. જોકે બેન્ક પ્રતિ દાવા પર 100 પાઉન્ડનો ચાર્જ વસૂલી શકે છે.

બેન્કો પ્રથમ 100 પાઉન્ડના નુકસાન માટે કોઇ રિફંડ નહીં ચૂકવવાનો પણ નિર્ણય લઇ શકે છે. રેગ્યુલેટરે જણાવ્યું હતું કે, આ પ્રક્રિયા ગ્રાહકોને પેમેન્ટ કરતી વખતે વધુ જાગૃત રહેવા પ્રોત્સાહિત કરશે. રિફંડની મહત્તમ રકમ પ્રતિ દાવાએ 4,15,000 પાઉન્ડ નક્કી કરાઇ છે. જોકે ગ્રાહકે સંપુર્ણપણે અવગણના કરી હોય તેવા કિસ્સામાં બેન્ક રિફંડ ચૂકવવા માટે જવાબદાર રહેશે નહીં. ક્રિસમસ પહેલાના સપ્તાહમાં નિયમોમાં બદલાવની જાહેરાત કરાઇ હતી. જો તમને એમ લાગે છે કે તમારી સાથે કોઇ ફ્રોડ થયું છે તો તમારે સીધો બેન્કનો સંપર્ક કરવાનો રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter