ઓક્ટોબર 2026થી વેપ્સ પર આકરો ટેક્સ લદાશે, તમાકુ ઉત્પાદનો પણ મોંઘા બનાવાશે

ફેબ્રુઆરી 2025 સુધી આલ્કોહોલ ડ્યુટી યથાવત રાખવા સરકારનો નિર્ણય

Tuesday 12th March 2024 16:40 EDT
 
 

લંડનઃ ધુમ્રપાન ન કરતાં હોય તેવા લોકોને ઇલેક્ટ્રોનિક સિગારેટના બંધાણી બનતા અટકાવવાના પ્રયાસમાં ઓક્ટોબર 2026થી વેપમાં ઉપયોગમાં લેવાતા લિક્વિડ પર ઓક્ટોબર 2026થી ટેક્સ લાદવાની ચાન્સેલર હન્ટે સ્પ્રિંગ બજેટમાં જાહેરાત કરી હતી. હન્ટે જણાવ્યું હતું કે હું વેપિંગની આદતને વધુ ખર્ચાળ બનાવવા માગુ છું. તે ઉપરાંત સરકાર ટોબેકો ડ્યુટીમાં પણ વધારો કરશે જેથી સ્મોકિંગની સામે વેપિંગનો ઉપયોગ સસ્તો બની રહે. વેપ્સની સાથે સાથે ટોબેકો ડ્યુટી 2 પાઉન્ડ પ્રતિ 100 સિગારેટ વધારાશે. સરકાર આ મામલામાં કર માળખુ તૈયાર કરવા સલાહ લઇ રહી છે. સરકાર ઘણા સમયથી ધુમ્રપાન અને વેપિંગનો ઉપયોગ અટકાવવા માટે સગીરોને સિગારેટ અને વેપ્સના વેચાણ પર પ્રતિબંધ, ડિસ્પોઝેબલ વેપ્સની નાબૂદી જેવા પગલાં લઇ રહી છે.

બીજીતરફ ચાન્સેલરે પબ્સ અને શરાબ પીનારાઓને ખુશ કરતાં આલ્કોહોલ પરની ડ્યુટી ફેબ્રુઆરી 2025 સુધી યથાવત રાખવાની ઘોષણા કરી હતી. ચાન્સેલરે જણાવ્યું હતું કે આલ્કોહોલ પરની ડ્યુટી ફ્રિઝ કરવાના કારણે યુકેના 38,000 પબ્સને લાભ થશે. અગાઉ ઓટમ સ્ટેટમેન્ટમાં પણ ચાન્સેલરે આલ્કોહોલ પરની ડ્યુટીમાં કોઇ બદલાવ કર્યો નહોતો. સામાન્ય રીતે આલ્કોહોલ પરની ડ્યુટી ફુગાવાના દરના આધારે દર વર્ષે વધારવામાં આવતી હોય છે. પરંતુ છેલ્લા એક દાયકાથી સરકાર તેમાં વધારો કરી રહી નથી. ચાન્સેલરે જણાવ્યું હતું કે, આ રીતે જોઇએ તો આલ્કોહોલ ડ્યુટીમાં 3 ટકાનો વધારો નિશ્ચિત હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter