લંડનઃ ઓક્સફર્ડ ગ્રૂમિંગ ગેંગની પીડિત મહિલાઓએ આરોપ મૂકયો છે કે તેમના પર જાતીય અત્યાચાર ગુજારનારા સેંકડો આરોપી હજુ પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ પોતાના શહેરના સુપરમાર્કેટ, પેટ્રોલ પંપ અને રેસ્ટોરન્ટ્સમાં વારંવાર એ જ પુરુષોનો સામનો કરે છે જેમણે તેમનું શારીરિક શોષણ કર્યું હતું. પીડિતાઓ અને આ કેસની પ્રાથમિક તપાસ કરનારા ભૂતપૂર્વ પોલીસ ડિટેક્ટિવનું માનવું છે કે મોટાભાગના દોષિતો સામે હજુ સુધી કોઇ કાનૂની કાર્યવાહી કરાઇ નથી.
ઉલ્લેખનીય છે કે 1990 થી 2010 દરમિયાન ઓક્સફર્ડ સહિત રોધરહામ, રોચડેલ અને ટેલફોર્ડ જેવા વિસ્તારોમાં સગીરાઓનું મોટા પાયે જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. ઓક્સફર્ડના આ કેસમાં અત્યાર સુધીમાં 21 પુરુષોને દોષિત ઠેરવી જેલ ભેગા કરવામાં આવ્યા છે, પરંતુ અંદાજે 370 થી વધુ સગીરા આ અત્યાચારનો ભોગ બની હોવાનું માનવામાં આવે છે.
આ મામલે થેમ્સ વેલી પોલીસે સ્પષ્ટતા કરી છે કે ગુનેગારોને સજા અપાવવા માટે તેમની તપાસ સતત ચાલુ છે અને પીડિતાઓને આગળ આવીને ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી છે. બીજી તરફ, સરકારે પણ આવી ઘટનાઓ પાછળ તંત્રની નિષ્ફળતા અને બેદરકારીના કારણો તપાસવા રાષ્ટ્રીય સ્તરની તપાસના આદેશ આપ્યા છે.

