ઓક્સફર્ડ ડિક્શનરીમાં હડતાલ, આધાર, શાદી સહિત નવા ૨૬ શબ્દ

Wednesday 29th January 2020 07:00 EST
 
 

લંડનઃ ગત વર્ષોમાં ઓક્સફર્ડ ડિક્શનરી વિવિધ ભાષાઓના શબ્દો ઉમેરી રહી છે. શુક્રવાર ૨૪ જાન્યુઆરીએ પ્રસિદ્ધ ઓક્સફર્ડ એડવાન્સ્ડ લર્નર્સ ડિક્શનરી (OALD)ની ૧૦મી એડિશનમાં ભારતીય ભાષાના આધાર, ચાલ, હડતાલ, ડબ્બા, ચાવલ, શાદી જેવાં ૨૬ શબ્દ સહિત વિશ્વના કુલ ૧૦૦૦ નવા શબ્દનો સમાવેશ કરાયો છે. આ સાથે ડિક્શનરીમાં કુલ ૩૮૪ ભારતીય ઈંગ્લિશ શબ્દ જોવા મળશે. ઓક્સફર્ડની વેબસાઈટમાં નવાં શબ્દોનો અર્થ અને તેમના ઉચ્ચારણ સાંભળી શકાય તેવું ફિચર પણ ઉમેરાયું છે. ડિક્શનરીની એપમાં ૮૬,૦૦૦ શબ્દો, ૯૫,૦૦૦ શબ્દસમૂહ, ૧૧૨,૦૦૦ અર્થ સામેલ કરાયા સાથે ૨,૩૭,૦૦૦ લાખ ઉદાહરણો આપવામાં આવ્યાં છે.

ઓક્સફર્ડની એજ્યુકેશન ડિવિઝનના મેનેજિંગ ડિરેક્ટર ફાતિમા દાદાએ જણાવ્યું હતું કે ૨૨ શબ્દનો પ્રિન્ટ એડિશનમાં સમાવેશ થયો છે, જ્યારે ચાર શબ્દો- કરંટ (ઈલેક્ટ્રિસિટી), લૂટર, લૂટિંગ અને ઉપજિલા ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે. ફાતિમાએ જણાવ્યું હતું કે જે શબ્દો વધારે માત્રામાં પ્રચલિત હોય તેમને સમાવાય છે. આ ઉપરાંત, શબ્દોની પસંદગીના ધારા-ધોરણ હોય છે. નિષ્ણાતોની પેનલ વિશ્વભરના શબ્દોનું મૂલ્યાંકન કરીને શબ્દકોશ માટે પસંદ કરે છે.

નવી એડિશનમાં વિવિધ ભાષાના સમાવિષ્ટ કુલ ૧૦૦૦ નવાં શબ્દોમાં ચેટબોટ, ફેક ન્યૂઝ, આઈસ્પીકર, માઈક્રોપ્લાસ્ટિક જેવાં ટેકનોલોજીને સંબંધિત શબ્દો પણ છે. ડિક્શનરીની નવી એડિશનમાં ભારતીય ભાષાના આધાર, હડતાલ. ચાવલ, ડબ્બા, શાદી સહિત ૨૬ શબ્દોનો સમાવેશ થયો છે. અન્ય શબ્દોમાં આન્ટી, બસ સ્ટેન્ડ, ડીમ્ડ યુનિવર્સિટી, FIR, નોન-વેજ, રીડ્રેસલ, ટેમ્પો, ટ્યૂબલાઈટ, વેજ અને વીડિયોગ્રાફનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter