ઓક્સફર્ડ દ્વારા કોરોના વેક્સિનની ટ્રાયલ માટે બાળકો-પુખ્તોની ભરતી

Tuesday 26th May 2020 23:59 EDT
 
 

લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટીની કોરોના વાઈરસ વેક્સિનની ટ્રાયલ માંકડા પર સફળ પરીક્ષણો પછીના તબક્કામાં પહોંચી ગઇ છે. સંશોધકો માનવી પરની ટ્રાયલ માટે બાળકો અને વયસ્કોની ભરતી કરી રહ્યા છે. બ્રિટનમાંથી ૧૦,૦૦૦થી વધુ લોકોને પરીક્ષણો માટે પસંદ કરવામાં આવશે.

માંકડાઓના સમૂહ પર સફળ પરીક્ષણો પછી ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકો કોરોના વેક્સિનના આગામી તબક્કા માટે સજ્જ છે. માનવ પરીક્ષણો માટે હવે સમગ્ર બ્રિટનમાંથી ૧૦,૬૨૦ લોકોની પસંદગી કરાશે. એપ્રિલમાં શરુ કરાયેલી હ્યુમન ટ્રાયલમાં ૧,૦૦૦ લોકોને સમાવી લેવાયા હતા. પ્રથમ તબક્કો પૂરો થઇ ગયો છે અને તેના પરિણામોનો અભ્યાસ ચાલી રહ્યો છે. રસી પર હવે બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલ થશે. બીજા તબક્કામાં ૫થી ૧૨ વયજૂથના બાળકો, ૫૬થી ૬૯ વયજૂથ તેમજ ૭૦થી વધુ વયના વૃદ્ધોને સામેલ કરાશે. આ તબક્કાઓમાં વિવિધ વયજૂથમાં વેક્સિનની રોગ પ્રતિકારક શક્તિના વિકાસનો અભ્યાસ કરાશે. ત્રીજા તબક્કામાં ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોના જૂથમાં રસી કેટલી કારગત નીવડે છે તેનો અભ્યાસ કરાશે.

ટ્રાયલના બીજા અને ત્રીજા તબક્કામાં વયસ્કોના જૂથોને ChAdOx1 nCoV-19 (હવે AZD1222) અથવા અન્ય લાઈસન્સ્ડ વેક્સિન

MenACWYના એક કે બે ડોઝ આપવામાં આવશે. ઓક્સફર્ડ વેકસિન ગ્રૂપના વડા એન્ડ્રયુ પોલાર્ડે જણાવ્યું હતું કે ક્લિનિકલ સ્ટડીઝમાં સારી પ્રગતિ થઇ રહી છે. હવે વેક્સિનથી મોટા વયસ્કોમાં રોગપ્રતિકાર પ્રતિભાવ કેવાં મળે છે અને મોટા પ્રમાણમાં વસ્તીને તેનાથી રક્ષણ મળી શકે કે કેમ તેના મૂલ્યાંકનો કરવામાં આવશે.

હાલ અમેરિકાની બાયોટેક ફર્મ કોડાજેનિક્સ, મોડેર્ના ઈન્ક., ઈનોવિયો અને નોવાવેક્સ, ઓસ્ટ્રિયાની થેમિસ,  યુકેની ઓક્સફર્ડ અને જેનર ઈન્સ્ટિટ્યૂટ સાથે ડ્રગઉત્પાદક એસ્ટ્રાઝેનેકા, ચીનની સિનોવેક બાયોટેક, યુએસની ફાઈઝર સાથે જર્મનીની બાયોએનટેક, બ્રિટિશ અમેરિકન ટોબેકો કંપની તેમજ ભારતની કેટલીક બાયોટેક કંપનીઓ સહિત વિશ્વની ૧૦૦ જેટલી કંપનીઓ અને સંશોધન સંસ્થાઓ કોવિડ-૧૯ની રસી શોધવાના કાર્યમાં લાગી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter