ઓક્સફર્ડ યુનિયનથી નારાજ વિવેક અગ્નિહોત્રી કાનૂની દાવો માંડશે

Wednesday 08th June 2022 02:57 EDT
 
 

લંડનઃ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ઓક્સફર્ડ યુનિવર્સિટી યુનિયન દ્વારા તેમનો કાર્યક્રમ એકાએક રદ કરાવા સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. યુરોપની હ્યુમિનિટી ટૂર પર નીકળેલા અગ્નિહોત્રીએ યુનિયનને ‘હિંદુફોબિક’ ગણાવી વળતર મેળવવા કાનૂની દાવો માંડવાની ધમકી પણ આપી હતી.

વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટ કર્યું હતું કે ઓક્સફર્ડ યુનિવર્સિટી યુનિયન મંચ દ્વારા વધુ એક હિંદુવાદી અવાજ ડામવાનો પ્રયાસ થયો છે. યુનિયને તેમનો કાર્યક્રમ રદ કરી ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં લઘુમતીમાં રહેલા હિંદુ નરસંહારનો ભોગ બનેલા અને હિંદુ વિદ્યાર્થીઓને રદ કરી દીધા છે. તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે ઓક્સફર્ડ યુનિવર્સિટી યુનિયનનો નવનિર્વાચિત અધ્યક્ષ પાકિસ્તાની છે અને આ બધું તેના દ્વારા જ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે અભિવ્યક્તિની આઝાદી પર નિયંત્રણ લદાયું છે અને થોડા પાકિસ્તાનીઓ અને કાશ્મિરી મુસ્લિમ વિદ્યાર્થીઓના વિરોધના કારણે આ પગલું લેવાયું છે.

અગ્નિહોત્રીએ જણાવ્યું કે, થોડા સમય પહેલાં યુનિવર્સિટી દ્વારા તેમને 31 મેએ સંબોધન કરવા આમંત્રણ અપાયું હતું અને ભાષણના દિવસના થોડા કલાકો પહેલાં જ ઈ-મેલ કરીને સંબંધિત તારીખ માટે ડબલ બૂકિંગ થઈ ગયું હોવાનું કારણ દર્શાવી કાર્યક્રમ રદ કરી દેવાયાનું જણાવાયું હતું. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મના ડાયરેક્ટર ને પૂછ્યા વિના જ સંબોધનની તારીખ 1 જુલાઈ કરી દેવાઈ હતી અને ત્યારે ત્યાં વધુ વિદ્યાર્થી ન હોવાની શક્યતા હોવાથી કોઈ અર્થ રહ્યો ન હતો. અગ્નિહોત્રીએ વિડિયોમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે તેમને છેલ્લી ઘડીએ કાર્યક્રમનું વીડિયો રેકોર્ડિંગ કરવા દેવાનો ઈનકાર કરાયો હતો.

તેમણે કહ્યું હતું કે કેમ્બ્રિજ યુનિવર્સિટી, ઓક્સફર્ડ યુનિવર્સિટ, બ્રિટિશ પાર્લામેન્ટ તેમજ જર્મની અને નેધરલેન્ડ્સની જાણીતી સંસ્થાઓ દ્વારા માનવતા અને માનવાધિકારો અંગે પ્રવચન માટે અપાયેલા આમંત્રણના પગલે તેઓ યુરોપના પ્રવાસે નીકળ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter