ઓક્સફર્ડ વર્ડ ઓફ યર તરીકે ‘વેક્સ’

Wednesday 03rd November 2021 07:11 EDT
 
 

લંડનઃ વિશ્વભરમાં કોરોના મહામારીએ બે વર્ષ સુધી જીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું અને હજુ પણ તેની અસર ચાલી રહી છે ત્યારે તેની સાથે સંકળાયેલા ‘વેક્સિન, જેબ, શોટ, ફૌસી-ઔસી’ જેવા શબ્દો છવાઈ ગયા હતા. જોકે, સતત અપડેટ થતાં ૧૪.૫ બિલિયન શબ્દોની ઓક્સફોર્ડ ડિક્શનરી માટે ‘ઓક્સફર્ડ વર્ડ ઓફ યર’ તરીકે ‘વેક્સ’ શબ્દ મેદાન મારી ગયો છે. વેક્સિન શબ્દનો ઉપયોગ બમણો થયો છે, પરંતુ વેક્સ શબ્દનો ઉપયોગ તેનાથી ૭૨ ગણો વધુ વખત થયો છે.

ગયા વર્ષે વિવિધ દેશોમાં કોરોના વેક્સિનેશન શરૂ કરાયા પછી ગયા વર્ષની સરખામણીએ માં વેક્સ શબ્દનો ઉપયોગ સપ્ટેમ્બર ૨૦૨૧માં ૭૨ ગણો વધારે જોવા મળ્યોહતો. જોકે, બોલચાલમાં ‘વેક્સિન’ શબ્દનો ઉપયોગ ફક્ત બમણો રહ્યો હતો. ઓક્સફોર્ડ લેન્ગ્વેજના સિનિયર એડિટર ફિયોના મેફર્સને કહ્યું છે કે, વેક્સિન માટે ઉપયોગમાં લેવાતા તમામ શબ્દોનો ઉપયોગ વધ્યો, પરંતુ ‘વેક્સ’ જેવો નહિ.

વેક્સિન અંગ્રેજીનો સામાન્ય અને જાણીતો શબ્દ છે. જોકે, ૧૯૮૦માં પહેલીવાર તેના માટે ‘વેક્સ’ શબ્દપ્રયોગ થયો હતો. બ્રિટિશ વિજ્ઞાની એડવર્ડ જેનરે શીતળાવિરોધી રસીનો ઉપયોગ કર્યો, તો ૧૭૯૯માં પહેલીવાર અંગ્રેજી ભાષામાં ‘વેક્સિન’ શબ્દ આવ્યો. શરૂઆતમાં બીમારી માટે લેટિન શબ્દ ‘વેક્સિન’નો ઉપયોગ કરાયાના દસકાઓ પછી વેક્સિન શબ્દનો ઉપયોગ અન્ય બીમારીવિરોધી રસી માટે પણ થવા લાગ્યો છે.

ઓક્સફોર્ડમાં પણ આ વર્ષે ‘વર્ડ ઓફ ધ યર’ તરીકે મુકાબલો કોરોના મહામારીને સંબંધિત શબ્દો વચ્ચે જ હતો. તેમાં કેટલાક વિચિત્ર શબ્દો પણ હતા. છેવટે તેમાં જેબ, શોટ અને ફૌસી-ઔસી (અમેરિકાની કોવિડ એજન્સીના વડાનું નામ ફૌસી છે)ને પછાડીને વેક્સિનના નાના સ્વરૂપ ‘વેક્સ’ શબ્દને ‘વર્ડ ઓફ ધ યર’ જાહેર કરાયો છે. ઓક્સફોર્ડના મતે, વેક્સ પરથી વેક્સિ, વેક્સિનિસ્ટા, વેક્સિનેશન જેવા શબ્દો અસ્તિત્વમાં આવ્યા, પરંતુ તેનું ચલણ ઓછું હોવાથી ડિક્શનરીમાં સામેલ ના થઈ શક્યા. એવી જ રીતે, વેક્સિનની આડઅસરો પછી માર્ગ અકસ્માત માટે ‘વેક્સિડેન્ટ’ શબ્દ બન્યો. જોકે, તેનો ઉપયોગ પણ મર્યાદિત છે.

આ દરમિયાન બીજી ભાષાઓમાં પણ વેક્સિન શબ્દનો વ્યાપક ઉપયોગ થયો. ફ્રેન્ચ, રશિયન અને હિન્દી, ગુજરાતી જેવી ભાષામાં પણ વેક્સિન શબ્દ ચલણી બની ગયો છે. સ્પેનિશમાં તે ‘વેક્યુના’ બની ગયો. હિન્દી, ઉર્દુ, બંગાળી ભાષામાં વેક્સિન માટે ‘ટીકા’ શબ્દ છે, પરંતુ મહામારી વખતે વેક્સિન શબ્દનો જ વધુ ઉપયોગ થયો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter