લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભારતના પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીના નામ પર રાખવામાં આવેલા સેન્ટરનું નામ બદલી કાઢવામાં આવ્યું છે. ઇંદિરા ગાંધી સેન્ટર ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ’ને બદલે ઓક્સફર્ડ ઇન્ડિયા સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રાખવામાં આવ્યું છે. આ સેન્ટર પૂ્ર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીનો જન્મદિવસ ૧૯ નવેમ્બર, ૨૦૧૭ સુધીમાં બનીને તૈયાર થઈ જશે.
એક અંગ્રેજી અખબારમાં જણાવ્યું મુજબ ઇંગ્લેન્ડમાં યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડની સોમરવિલે કોલેજના એક સેન્ટરનું નામ ઇંદિરા ગાંધીના નામ પર રાખવામાં આવ્યું હતું. જેને નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં આવ્યા બાદ બદલવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૬માં કેન્દ્ર સરકારે સેન્ટરનું નામ બદલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, કોલેજના સત્તાવાળાઓએ જણાવ્યું છે કે નામ બદલવા માટે ભારત સરકાર દ્વારા કોઈ સૂચન કે દબાણ કરવામાં આવ્યું નથી. આ સેન્ટર વર્ષ ૨૦૧૩માં મનમોહન સિંહની સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. જેના માટે ભારત સરકારે કોલેજને ૩ મિલિયન પાઉન્ડની ગ્રાન્ટ ફાળવી હતી. ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા પણ આટલી જ રકમ ફાળવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૩૭માં ઇંદિરા ગાંધીએ આ કોલેજમાંથી આધુનિક ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. ઈંદિરા ગાંધીએ માનદ ડીગ્રી મેળવવા ૧૯૭૧માં કોલેજની મુલાકાત લીધી હતી અને ૨૦૦૨માં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પૂર્વ વડા પ્રધાનનું પોર્ટ્રેટ ભેટ આપ્યું હતું, જે આ કોલેજના અન્ય પૂર્વ વિદ્યાર્થિની માર્ગારેટ થેચરના પેઈન્ટિંગની સાથે મૂકાયું છે.