લંડન
સમગ્ર મધ્ય ઇંગ્લેન્ડના વિસ્તારોમાં એક પ્રચંડ વિસ્ફોટના અવાજે લોકોને ભયભીત કરી મૂક્યાં હતાં. શનિવારે બપોરે 12.10 કલાકે અચાનક એક પ્રચંડ વિસ્ફોટનો અવાજ આવ્યો હતો અને ઓક્સફર્ડથી લેસ્ટર સુધીના વિસ્તારોમાં મકાનો ધ્રુજી ઉઠ્યાં હતાં. કથિત સોનિક બૂમના કારણે પ્રચંડ અવાજ અને ધ્રુજારી અનુભવાઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. એમ કહેવાય છે કે સેન્ટ આલ્બન્સ નજીક એક ડેશ 8 એરક્રાફ્ટનો રેડિયો નિષઅફળ જતાં બે યૂરો ફાઇટર ટાયફૂન ફાઇટર જેટ વિમાનોએ ઉડાન ભરી હતી. આ બે જેટ ફાઇટરની ઉડાનના કારણે સોનિક બૂમ સર્જાયો હોવાની સંભાવના છે. એવિએશન વિભાગના જણાવ્યા અનુસાર બંને ફાઇટર જેટ સુપરસોનિક સ્પીડથી કથિત વિમાનની મદદ માટે જઇ રહ્યાં હતાં. આ વિમાનને લંડનના સ્ટેનસ્ટેડ એરપોર્ટ ખાતે એસ્કોર્ટ કરીને લઇ જવાયું હતું.
અવાજ કરતાં વધુ ઝડપથી કોઇ વિમાન ઉડાન ભરે ત્યારે સોનિક બૂમની સ્થિતિ સર્જાતી હોય છે. તેના કારણે પ્રચંડ વિસ્ફોટ જેવા અવાજ પેદા થાય છે. ટાયફૂન વિમાન 1320 માઇલ પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી શકે છે. જેના કારણે સાઉન્ડ બેરિયર તૂટી જતાં સોનિક બૂમ સર્જાય છે. સોનિક બૂમમાં એટલી શક્તિ રહેલી છે કે તે માઇલો દૂર સુધી ધ્રુજારી પેદા કરી શકે છે.
સોનિક બૂમની અસર ઓક્સફર્ડથી માંડીને ઉત્તરમાં 70 માઇલ દૂર આવેલા લેસ્ટર સુધી વર્તાઇ હતી. જેના કારણે જમીન અને મકાનો ધ્રુજી ઉઠ્યાં હતાં. લોકોમાં ભૂકંપ આવ્યો હોવાનો ફફડાટ વ્યાપી ગયો હતો. ઓક્સફર્ડશાયર અને લેસ્ટરશાયર પોલીસે જણાવ્યું હતું કે અમને પ્રચંડ વિસ્ફોટના સંદર્ભમાં સંખ્યાબંધ કોલ પ્રાપ્ત થયાં હતાં. નોર્ધમ્પ્ટનશાયરમાં પણ પોલીસ અને ફાયર સર્વિસને સંખ્યાબંધ કોલ્સ આવ્યા હતા.


