લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર અને ઇસ્લામિક વિદ્વાન તારિક રમઝાનને બળાત્કારના આરોપસર 18 વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે. સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, તેનો શિકાર બનેલી પીડિતાઓ પૈકીની એકની તેણે હત્યા પર કરી નાખી હતી. પેરિસ ક્રિમિનલ કોર્ટે 63 વર્ષીય તારિક રમઝાનને 3 મહિલા પર બળાત્કાર ગુજારવાના આરોપસર દોષી ઠેરવ્યો હતો.
વર્ષ 2012માં રમઝાને પેરિસની એક હોટેલની રૂમમાં હિન્ડા અયારી પર બળાત્કાર ગુજાર્યો હતો. અયારીએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 9 વર્ષથી આ દિવસની રાહ જોઇ રહી હતી અને અદાલતે મારા પર વિશ્વાસ મૂક્યો છે. એકસમયે કટ્ટર મુસ્લિમ એવી અયારી પાછળથી મહિલાવાદી અને કટ્ટર ઇસ્લામની વિરોધી બની ગઇ હતી. 2017માં તેણે રમઝાન વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો.
રમઝાન પર 2009માં લિઓન ખાતે એક વિકલાંગ મહિલા અને 2016માં વધુ એક મહિલા પર બળાત્કાર ગુજારવાના આરોપ હતા. અદાલતે ચુકાદો જાહેર કર્યા પછી રમઝાનની ધરપકડ માટે વોરંટ જારી કર્યું છે.


