લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટીની કોવિડ-૧૯ વેક્સીન સૌ પહેલા યુકેના લોકોને મળશે તેવી જાહેરાત એસ્ટ્રેઝેનેકા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા કરાઈ છે જેને ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા સમર્થન અપાયું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદની ચૂંટણી અગાઉ જ આ વેક્સિનને અમેરિકામાં કામે લગાવવા જાહેરાત કરી છે. યુકે અને ઓસ્ટ્રેલિયા સરકાર વેક્સિન માટે ઓર્ડરો આપી દીધા છે પરંતુ, ક્લિનિકલ ટ્રાયલો હજુ ચાલી રહી છે અને વેક્સિન અસરકારક હોવાનું હજુ સાબિત થયું નથી.
યુએસમાં નવેમ્બરની ચૂંટણી અગાઉ પોતાના રેટિંગ્સ વધારવા પ્રમુખ ટ્રમ્પ ઓક્સફર્ડની વેક્સિને મંજૂરી આપવા ત્યાંની ફૂડ એન્ડ ડ્રગ્સ ઓથોરિટી (FDA) પર દબાણ કરશે તેવા અહેવાલો મધ્યે આ વેકિસન સાથે સંકળાયેલી એસ્ટ્રેઝેનેકા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા સ્પષ્ટ કરાયું છે કે જો વેક્સિન સફળ રહેશે તો તેનો ઉપયોગ સૌ પહેલા યુકેના લોકો માટે કરાશે. વેક્સિનની પ્રારંભિક ટ્રાયલ્સ સફળ રહી છે અને તે માનવીઓ પર ઉપયોગ માટે સલામત તેમજ ઈમ્યુનિટીને ઉત્તેજન આપતી હોવાનું જણાયું છે.
એસ્ટ્રેઝેનેકાએ ભારપૂર્વક જણાવ્યું છે કે યુએસ સાથે કોઈ વાટાઘાટ થઈ નથી. બીજી તરફ, વડા પ્રધાન જ્હોન્સનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપનીએ અન્ય દેશો સાથે સમજૂતીઓ કરી છે પરંતુ, યુકે આ લાઈનમાં પ્રથમ છે. અત્યાર સુધી એક માત્ર રશિયાએ કોવિડ-૧૯ વેક્સિનને માન્યતા આપી છે પરંતુ, યોગ્ય ક્લિનિકલ ટ્રાયલ્સ વિના આમ કરવા બદલ તેની ભારે ટીકા પણ થઈ છે. ભારત સહિતના દેશો પણ વેક્સિન શોધવામાં આગળ છે.
એસ્ટ્રાઝેનેકાએ તે ૨ બિલિયન ડોઝનું ઉત્પાદન કરી શકશે તેવો દાવો કર્યો છે અને અમેરિકામાં પણ તેની કેટલીક ઉત્પાદન ફેસિલિટીઝ છે. જોકે, તેણે યુએસ સરકાર સાથે વેક્સિનને ઝડપી મંજૂરી આપવા બાબતે કોઈ વાતચીત થયાનું નકાર્યું છે. અમેરિકાએ ગયા મહિને આ વેક્સિનના ૩૦૦ મિલિયન ડોઝનો ઓર્ડર આપ્યો છે.