લંડનઃ તામિલનાડુના મંદિરમાંથી ચોરાયેલી 16મી સદીની સંત તિરુમનકાઇ અલવરની કાંસ્ય પ્રતિમા સહિતની ભારતીય વારસાની કેટલીક કલાકૃતિઓ યુકે ભારતને પરત આપશે. ઓક્સફર્ડ સ્થિત એશમોલિન મ્યુઝિયમે 1967માં દક્ષિણ ભારતીય હિન્દુ સંતની 57.5 સે.મી. ઊંચી પ્રતિમા સંપાદિત કરીને ડિસ્પ્લેમાં મૂકી હતી. સોથબીના જણાવ્યા અનુસાર પ્રાઇવેટ કલેક્ટર ડો. જે આર બેલમોન્ટ દ્વારા મ્યુઝિયમને આ પ્રતિમા વેચવામાં આવી હતી. તેમની પાસે આ પ્રતિમા ક્યાંથી આવી તેની કોઇ માહિતી નથી.
નવેમ્બર 2019માં ફ્રેન્ચ સ્કોલરે ઓક્સફર્ડ યુનિવર્સિટીને જાણ કરી હતી કે આ પ્રતિમા તામિલનાડુના થડિકોમ્બુ ગામના સુંદરરાજપેરુમલ મંદિરની પ્રતિમા છે. તેમણે આ માટે 1957માં લેવાયેલી એક તસવીર પણ સોંપી હતી. તેથી મ્યુઝિયમે તેની તપાસ કરવાનો નિર્ણય કર્યો હતો. મંદિરના અધિકારી દ્વારા 11 ફેબ્રુઆરી 2020ના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે અસલ પ્રતિમાને સ્થાને તેની નકલ સ્થાપિત કરી દેવાઇ હતી.


