લંડનઃ ઓક્સફામ જીબીના ચીફ એક્ઝિક્યુટિવ પદેથી ડો. હલીમા બેગમની હકાલપટ્ટી કરાઇ છે. ચેરિટી બોર્ડના સ્વતંત્ર રીવ્યૂમાં જણાવવામાં આવ્યું હતું કે, ડો. બેગમની નિર્ણાયક શક્તિ અને વર્તનમાં ગંભીર ખામી રહેલી છે. રીવ્યૂમાં તેમની કામ કરવાની ક્ષમતાઓ પર પણ ગંભીર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. તેના પગલે ઓર્ગેનાઇઝેશનના ટ્રસ્ટીઓએ ડો. બેગમની હકાલપટ્ટીનો નિર્ણય લીધો હતો.
ડો. બેગમની કામ કરવાન પદ્ધતિથી નારાજ સંખ્યાબંધ કર્મચારીઓએ રાજીનામા આપી દીધાં હતાં. ઓર્ગેનાઇઝેશનના 70 કર્મચારીઓએ ડો. બેગમની વર્તણુંકની તપાસની માગ કરતો પત્ર બોર્ડને લખ્યો હતો. છેલ્લા બે વર્ષથી તેઓ આ હોદ્દા પર ફરજ બજાવી રહ્યાં હતાં.
હવે ઓક્સફામ જીબીના સીઇઓ તરીકેની જવાબદારી છેલ્લા 4 કરતાં વધુ વર્ષથી ચીફ સપોર્ટર ઓફિસર તરીકે કામ કરી રહેલા જેન ઓઇલફિલ્ડને સોંપવામાં આવી છે. ઓર્ગેનાઇઝેશનના કાર્યકારી સહાધ્યક્ષો નાના અફદઝિનુ અને ડેમ એની હડસને જણાવ્યું હતું કે, અમે અમારા કર્મચારીઓને સ્થિરતા આપીને સમગ્ર સંગઠનમાં ફરી એકવાર વિશ્વાસનું વાતાવરણ સર્જવા માગીએ છીએ.


