લંડન: આજકાલ દેશમાં દરેકના મોઢે ‘સંવિધાન (બંધારણ)’ શબ્દ વારંવાર સાંભળવા મળી રહ્યો છે. ગત વર્ષ ૨૦૧૯માં ભારતના બંધારણને ૭૦ વર્ષ પૂરા થયા, પરંતુ લાંબા સમયથી દેશમાં બંઘારણને લઇને લાંબી ચર્ચા શરુ થઇ છે. પરંતુ હવે ઓક્સફોર્ડ યૂનિવર્સિટી પ્રેસ (OUP)એ તાજતરમાં ‘સંવિધાન’ શબ્દને ૨૦૧૯નો સર્વશ્રેષ્ઠ ઓક્સફોર્ડ હિન્દી શબ્દ જાહેર કર્યો છે. ઓક્સફોર્ડ મુજબ ૨૦૧૯માં લોકતંત્ર, સેક્યુલિરઝમ, ન્યાય, આઝાદી, સમાનતા અને પરસ્પર ભાઇચારાની કસોટીઓને સંવિધાન (બંધારણ)ના આધારે માપવામાં આવી છે.
OUP મુજબ સંવિધાન (બંધારણ)નો અર્થ લોકતાંત્રિક સિદ્ધાંતોની એક એવી સંસ્થા છે જેને અનુસરીને સ્ટેટ કે સંગઠનને શાસન કરવાની મંજૂરી મળે છે. વર્ષ ૨૦૧૮માં નારી શક્તિ વર્ષનો સર્વશ્રેષ્ઠ શબ્દ તરીકે પસંદ કરાયો હતો. બંધારણ શબ્દ સૌથી પહેલા ચર્ચામાં ઓગસ્ટ ૨૦૧૯માં આવ્યો, જ્યારે પાંચ ઓગસ્ટે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ ૩૭૦ની મોટાભાગની જોગવાઇઓને ખતમ કરવાનો નિર્ણય લીધો.
ઓક્સફોર્ડ મુજબ વર્ષનો સર્વશ્રેષ્ઠ શબ્દ લોકોના મૂડને દર્શાવે છે અને સત્તામાં બેઠેલા લોકોના ફોકસને દર્શાવે છે.
ઓક્સફોર્ડ ડિક્સનરી ટીમ એના ફેસબુક પેજના માધ્યમથી વર્ષના સર્વશ્રેષ્ઠ હિન્દી શબ્દ માટે હજારો અરજીઓ મંગાવે છે. ભારતીય ટીમ ભાષાના નિષ્ણાંતોની પેનલની મદદથી શબ્દની પસંદગી કરે છે.

