ઓગસ્ટ 2023થી સમગ્ર લંડન અલ્ટ્રા લો એમિશન ઝોન જાહેર કરાશે

12.50 પાઉન્ડ પ્રતિ દિનનો ઉલેઝ ચાર્જ સમગ્ર લંડનમાં લાગુ થશે

Wednesday 30th November 2022 06:18 EST
 
 

લંડન

રાજધાની લંડનમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા ઓગસ્ટ 2023થી પ્રદૂષણ ફેલાવતી કારો પાસેથી વસૂલાતો 12.50 પાઉન્ડ પ્રતિ દિવસનો ચાર્જ સમગ્ર લંડનમાં વસૂલાશે. તેનો અર્થ એ થયો કે સમગ્ર લંડનને અલ્ટ્રા લો એમિશન ઝોન (ઉલેઝ) જાહેર કરાશે. આ પગલાંના કારણે લંડનના વધુ 50 લાખ લોકોને શુદ્ધ હવા મળી રહેશે. લંડનમાં ઉલેઝનો પ્રારંભ 2019થઈ કરાયો હતો. 2021માં લંડનના ઉત્તર અને દક્ષિણમાં આવેલા સર્ક્યુલર રોડને ઉલેઝમાં સામેલ કરાયાં હતાં.

લંડનમાં હવાના પ્રદૂષણના કારણે દર વર્ષે 4000 લોકો સમય પહેલાં મોતને ભેટે છે. મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે, આ પરિવારો તેમના પ્રિયજનોને ગુમાવવાની પીડા વેઠી રહ્યાં છે તેથી મારી પાસે અન્ય કોઇ વિકલ્પ રહેતો નથી. ઉલેઝના વિસ્તરણનો કેટલાક મોનિટરિંગ ગ્રુપ અને લંડન એસેમ્બ્લીના ટોરી સભ્યો દ્વારા વિરોધ કરાઇ રહ્યો છે. તેમની દલીલ છે કે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસના કારણે આ નિર્ણય પાછો ઠેલવો જોઇએ. જોકે ખાને આરોપ મૂક્યો છે કે કેટલાક સ્થાપિત હિતો આ પગલાંનો વિરોધ કરી રહ્યાં છે.

ખાને જણાવ્યું હતું કે, ઉલેઝના વિસ્તરણને 110 મિલિયન પાઉન્ડના સ્ક્રેપેજ ફંડની સહાય મળશે જેના દ્વારા લોકોને ઓછું પ્રદૂષણ ફેલાવતા વાહનો તરફ આકર્ષવામાં મદદ મળી રહેશે. આ સ્કીમ અંતર્ગત લંડનના પરાઓમાં રહેતા વાહનચાલકોને ટ્રાવેલ કાર્ડનો વિકલ્પ પણ અપાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter