ઓગસ્ટથી ફર્લો સ્કીમ બદલાશેઃ £૧૦૦ બિલિ.ની રોજગારી યોજના

Tuesday 02nd June 2020 23:31 EDT
 
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાક ૧૦૦ બિલિયન પાઉન્ડની રોજગારી સર્જન યોજના તરફ આગળ વધી રહ્યા છે. ફર્લો સ્કીમનો અંત આવશે ત્યારે ૨૦ લાખ બ્રિટિશરો તેમની નોકરીઓ ગુમાવશે તેવા ભય વચ્ચે ચાન્સેલરે ઓગસ્ટ મહિના પછી ફર્લો સ્કીમમાં ફેરફારોની વિગતો જાહેર કરી છે. તેમણે જણાવ્યું છે કે સરકારી સહાય ઓક્ટોબર સુધી ધીરેધીરે ઘટતી જશે જ્યારે ફર્મ્સે ૨૦ ટકા ચૂકવણી કરવાની થશે. બીજી તકરફ, કંપનીઓએ ચેતવણી આપી છે કે સહાય ઘટશે તો છટણીનું પ્રમાણ વધી જશે. સુનાકે એમ પણ જણાવ્યું છે કે કર્મચારીઓ અગાઉ જાહેર કર્યાથી પણ પહેલા જુલાઈથી પાર્ટ-ટાઈમ કામે લાગી શકશે.

ચાન્સેલર સુનાકે પ્રેસ કોન્ફરન્સમાં વધારાની નોકરો ઉભી કરવાની યોજના સાથે બેરોજગારીની કટોકટી દૂર કરવા ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ફર્લો સ્કીમ હવે ‘ફ્લેક્સિબલ ફર્લો’માં ફેરવાશે જેનાથી તેઓ કામે જઈ શકશે અને તેઓ જેટલા કલાક કામ કરે તેની સમકક્ષ વેતનની ટકાવારી કંપનીઓએ ઉઠાવવાની થશે. સુનાકે જણાવ્યું હતું કે ફર્લો સ્કીમ ઓક્ટોબરમાં પૂર્ણ થાય તે પહેલા બિઝનેસીસે ઓગસ્ટથી જ વેતનના બોજામાં ફાળો આપવાનું શરુ કરવું પડશે. જોકે, તેમના ફાળાનું પ્રમાણ ત્રણ મહિનામાં ધીરે ધીરે મહત્તમ ૨૦ ટકા સુધી પહોંચી શકે છે. તેમણે કહ્યું હતું કે યુકેની સ્કીમ વિશ્વમાં સૌથી ઉદાર બની રહેશે પરંતુ, બિઝનેસીસે છટણીઓના ભય વચ્ચે પણ ફર્લો કરાયેલા વર્કર્સના વેતનબિલ ચૂકવણીમાં મદદ આપવાનું શરુ કરવું જોઈશે.

સ્કીમના નવા માળખા મુજબ સ્ટાફને ઓક્ટોબર સુધી સલામતી કવચ મળતું રહેશે પરંતુ, કંપનીઓએ ખર્ચમાં ફાળો આપવાનો થશે. ઓગસ્ટમાં ફર્લો હેઠળના સ્ટાફ માટે નેશનલ ઈન્સ્યુરન્સ અને પેન્શન ફાળાની ચૂકવણી કરવાની રહેશે. સપ્ટેમ્બરમાં કર્મચારીના વેતનના ૧૦ ટકા અને ઓક્ટોબરમાં ૨૦ ટકાની ચૂકવણી કરવાની રહેશે આ પછી ફર્લો સ્કીમ બંધ કરી દેવાશે. ધ ઈન્સ્ટિટ્યૂટ ફોર ફિસ્કલ સ્ટડીઝ થિન્કટેન્ક અનુસાર ફર્લો અને સેલ્ફ-એમ્પ્લોયમેન્ટ સપોર્ટ સ્કીમ્સનો સંયુક્ત ખર્ચ હવે ૧૦૦ બિલિયન પાઉન્ડથી વધી જશે. ટ્રેઝરી દ્વારા જણાવાયું છે કે ફર્મ્સ તેમના પાર્ટ-ટાઈમ એમ્પ્લોઈઝ માટે કામના કલાક અને શિફ્ટની પેટર્નનો નિર્ણય કરી શકશે અને તેમના કામ માટે વેતન ચૂકવવા જવાબદાર રહેશે. બ્રિટિશ ચેમ્બર્સ ઓફ કોમર્સ, CBI, અને યુનિયન TUC સહિત બિઝનેસ અને યુનિયન લીડર્સે ચાન્સ્લરની જાહેરાતોને, ખાસ કરીને ટ્રેઝરી દ્વારા ફર્લો ફાળામાં તબક્કાવાર ઘટાડાને આવકાર આપ્યો છે.

ફર્લો સ્કીમમાં શું ફેરફારો કરાયા?                     

ચાન્સેલર રિશિ સુનાકે ઓક્ટોબર મહિનામાં સમાપ્ત થઈ રહેલી સરકારની ફર્લો સ્કીમમાં મોટા પાયે ફેરફાર જાહેર કર્યા છે, જેને આ પ્રમાણે ગણાવી શકાય.

• ફર્લો કરાયેલા વર્કર્સ ઓક્ટોબરમાં યોજનાની સમાપ્તિ સુધી તેમના વેતનના ૮૦ ટકા અથવા માસિક ૨૫૦૦ પાઉન્ડ સુધીનું વેતન મેળવતા રહેશે.

• જોકે, તેઓ કોઈ નાણાકીય નુકસાન વિના જુલાઈથી પાર્ટ-ટાઈમ કામે જવાનું શરુ કરી શકશે. બિઝનેસીસને તેમણે જેટલા કલાક કામ કર્યું હોય તેના વેતનની ટકાવારી મુજબ ચૂકવણી કરવા જણાવાયું છે.

• સરકાર જુલાઈ મહિનાના અંત સુધી ફર્લો સ્કીમ હેઠળ સંપૂર્ણ બિલની ચૂકવણીનો બોજો ઉઠાવશે.

• ઓગસ્ટ મહિનાથી કંપનીઓએ જે કર્મચારીઓ ફર્લો પર હોય તેમના એમ્પ્લોયર નેશનલ ઈન્સ્યુરન્સ અને પેન્શન્સ ફાળાની ચૂકવણી કરવાની રહેશે. સપ્ટેમ્બર મહિનામાં કંપનીઓએ ફર્લો હેઠળના કર્મચારીઓના વેતનમાં ૧૦ ટકા હિસ્સો આપવાનો રહેશે. સરકાર વર્કરદીઠ ૭૦ ટકા અથવા માસિક ૨,૧૯૦ પાઉન્ડ સુધીનું વેતન ચૂકવશે.

• ઓક્ટોબર મહિનામાં કંપનીઓ પરનો ફર્લો એમ્પ્લોઈ વેતનબોજ વધારીને ૨૦ ટકા કરાશે. સરકાર બાકીના ૬૦ ટકા અથવા માસિક ૧,૮૭૫ પાઉન્ડ સુધીનું વેતન ચૂકવશે. સરકાર ઓક્ટોબરના અંતે આ સ્કીમ બંધ કરવા બાબતે મક્કમ છે.

હજારો લોકો સામે છટણીનું જોખમ

જો ફર્લો સ્કીમમાં બદલાવ આવશે તો લગભગ ૨૫ ટકા કંપનીઓએ કર્મચારી, વર્કર્સની છટણી કરવી પડે તેવો ભય દર્શાવ્યો છે. ફર્લો સ્કીમના લીધે યુકેના ખાનગી ક્ષેત્રના લગભગ અડધા વર્કર્સ સરકારી પેરોલ પર આવી ગયા છે. બીજી તરફ, વડા પ્રધાન જ્હોન્સને લાયેઝન કમિટી સમક્ષ ઈન્કમ ટેક્સ, VAT અને નેશનલ ઈન્સ્યુરન્સમાં કોઈ જ વધારો નહિ કરવાનું ભારપૂર્વક જણાવ્યું છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા અભ્યાસ મુજબ ચારમાંથી એક કંપનીએ ઓગસ્ટ અને ઓક્ટોબર મહિનાઓ વચ્ચે ફૂલટાઈમ વર્કર્સના વેતનના ૨૦ ટકા અથવા વધુ હિસ્સાને ચૂકવવા અશક્તિ જાહેર કરી છે. બિઝનેસ અગ્રણીઓ સ્વીકારે છે કે સરકારી સહાય અચોક્કસ મુદત સુધી ન હોઈ શકે પરંતુ, કડવું સત્ય એ છે કે નાણા નહિ મળે તો ઘણી કંપનીઓએ ઓગસ્ટ આવતા સુધી તો કઠોર નિર્ણયો લેવાં પડશે. બ્રિટિશ એરવેઝ, વર્જિન એટલાન્ટિક અને રોલ્સ રોયસ સહિત મોટી કંપનીઓએ પણ સ્ટાફને ફર્લો પર ઉતાર્યા પછી નોકરીઓમાં મોટા પાયે કાપ મૂક્યો છે. ગત સપ્તાહમાં વધુ ૭૦૦,૦૦૦ કર્મચારી અને સ્વરોજગારી વર્કર્સે સરકારી સબસિડીનો ક્લેઈમ કર્યો છે જેનાથી બિલમાં ૪.૬ બિલિયન પાઉન્ડનો વધારો થયો છે. વાસ્તવિકતા એ છે કે સરકારી ક્ષેત્રના ૫.૪ મિલિયન સહિત ૧૬ મિલિયનથી વધુ લોકો સરકારી પેરોલ હેઠળ આવી ગયા છે જે, યુકેમાં નોકરીઓ કરતા કુલ ૩૩ મિલિયન લોકોની લગભગ અડથી સંખ્યા છે.

૮.૪ મિલિયન નોકરીઓ ફર્લો હેઠળ

સત્તાવાર આંકડા અનુસાર ખાનગી ક્ષેત્રના લગભગ ૧૧ મિલિયન વર્કર્સ- કુલ વર્કર્સના ૧૦માંથી આશરે ૪ વર્કર હાલ જોબ રિટેન્શન સ્કીમ અથવા સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઈન્કમ સપોર્ટ સ્કીમ હેઠળ સરકારી સહાય મેળવી રહ્યા છે જેનો ખર્ચ અત્યાર સુધી ૨૨ બિલિયન પાઉન્ડ થઈ ચૂક્યો છે. સરકાર દ્વારા બચાવાયેલી કે ફર્લો કરાયેલી નોકરીઓની સંખ્યા ૮.૪ મિલિયનના નવા વિક્રમે પહોંચી છે. નવા આંકડા અનુસાર ગત સપ્તાહમાં વધુ ૪૦૦,૦૦૦ કર્મચારીને ફર્લો હેઠળ મૂકાયા છે. માર્ચમાં યોજના શરુ કરાઈ તે પછી એક મિલિયન એમ્પ્લોયર્સ દ્વારા ૧૫ મિલિયન પાઉન્ડની સહાય મેળવાઈ છે. આ ઉપરાંત, સ્વ-રોજગારી ધરાવતા લોકોને પણ અલગ યોજના હેઠળ મદદ અપાય છે જેમાં, ૩૦૦,૦૦૦ના દાવાના ઉમેરા સાથે કુલ સંખ્યા ૨.૩ મિલિયન અને કુલ મૂલ્ય ૬.૮ બિલિયન પાઉન્ડ થયું છે. આ બંને યોજનામાં માસિક ૮૦ ટકા વેતન/કમાણી અથવા ૨૫૦૦ પાઉન્ડ સુધીની સબસિડી અપાય છે. હવે કંપનીઓ NIનો ફાળા અને વેતનના ૨૦ ટકા ચૂકવે તેવી સરકાર દ્વારા અપેક્ષા રખાય છે. સંખ્યાબંધ નોકરીઓમાં કાપ ન મૂકાય તે માટે ઓક્ટોબર સુધી ચાલુ રખાનાર જોબ રિટેન્શન સ્કીમ સરકાર માટે ૮૦ બિલિયન પાઉન્ડનો બોજો ઉભો કરશે તેવી ચિંતા છે. ગત ૩૦૦ વર્ષમાં સૌથી ખરાબ મંદી લાવી અર્થતંત્રને તળિયે પહોંચાડનારા લોકડાઉનના કારણે સરકારને ૩૦૦ બિલિયન પાઉન્ડનું કરજ લેવું પડે તેવી હાલત છે.

 

બ્રિટનના શિરે જંગી કરજનો પહાડ              

£૬૨.૭ બિલિયન- ગયા વર્ષે લીધેલું કરજ

£૫૪.૮ બિલિયન- આ વર્ષ માટે માર્ચ બજેટમાં કરજની આગાહી

£૨૯૮.૪ બિલિયન- આ વર્ષ માટે કરજની તાજી સત્તાવાર આગાહી

£૬૨.૧ બિલિયન- ગત મહિના (એપ્રિલ) નું કરજ

• ૪૨ ટકા- ગત મહિને(એપ્રિલ)   ટેક્સની આવકમાં ઘટાડો

• ૫૨ ટકા- ગત મહિને (એપ્રિલ) સરકારના ખર્ચમાં વધારો

• ૯૭.૭ ટકા- જીડીપીની સરખામણીએ દેવાંની ટકાવારી   

£૧,૮૮૮,૦૦૦,૦૦૦,૦૦૦ - વર્તમાન રાષ્ટ્રીય દેવું

£૨,૨૬૨,૦૦૦,૦૦૦,૦૦૦ - વર્ષ ૨૦૨૦ના અંતે દેવાંની આગાહી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter