લંડનઃ જુલાઇમાં વરસાદી વાતાવરણના કારણે યુકેના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયા બાદ ઓગસ્ટ મહિનામાં અર્થતંત્રે ફરી વૃદ્ધિ નોંધાવતા મંદીની સંભાવનાઓ ઘટી છે. ઓએનએસના આઁકડા અનુસાર ઓગસ્ટમાં યુકેનો જીડીપી વૃદ્ધિદર 0.2 ટકા વધ્યો હતો. જોકે ઓગસ્ટમાં ઉત્પાદનમાં વધારો થયાં છતાં જુલાઇ મહિનામાં થયેલું નુકસાન ભરપાઇ થઇ શકે તેમ નથી. જુલાઇમાં વરસાદી વાતાવરણને લીધે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી અને કન્ઝ્યુમર સ્પેન્ડિંગ ખોરવાઇ જતાં જીડીપી વૃદ્ધિદરમાં 0.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ઓગસ્ટમાં પૂરા થયેલા છેલ્લા 3 મહિનામાં જીડીપી વૃદ્ધિદર 0.3 ટકા વધ્યો છે. નિષ્ણાતો ત્રિમાસિક પરિણામો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે કારણ કે તેનાથી અર્થતંત્રની મજબૂતાઇ અંગેનું ચોક્કસ ચિત્ર મળે છે.
અર્થશાસ્ત્રી થોમસ પગે જણાવ્યું હતું કે, ઓગસ્ટમાં જીડીપી વૃદ્ધિદરમાં વધારો યુકેનું અર્થતંત્ર મંદી તરફ આગળ વધી રહ્યું હોવાના ભયને ઘટાડે છે.
આર્થિક વૃદ્ધિના પગલે વ્યાજદર યથાવત રહેવાની સંભાવના
ઓગસ્ટ મહિનામાં યુકેના અર્થતંત્રમાં 0.2 ટકાનો વધારો થતાં બેન્ક ઓફ ઇંગ્લેન્ડ વ્યાજદરોને યથાવત રાખે તેવી સંભાવના છે. છેલ્લા એક વર્ષમાં 14 વાર વ્યાજદરમાં વધારા બાદ સપ્ટેમ્બરમાં ફુગાવાના દરમાં ઘટાડો થતાં વ્યાજદર 5.25 ટકા પર યથાવત રખાયો હતો.

