લંડનઃ બુધવાર, 27 જુલાઈએ નેટવર્ક રેઈલ અને 14 ઓપરેટર્સ ખાતે RMT યુનિયનના 40,000સભ્યો દ્વારા નોકરીઓ, વેતન અને કાર્યસ્થિતિના મુદ્દે રેલવે હડતાળ શરૂ થાય તે પહેલા જ બધા સ્ટેશનોએ અરાજકતા વ્યાપી ગઈ હતી. ટ્રેન ઓપરેટર્સે પ્રવાસીઓને ઘેર રહીને કામ કરવાની ચેતવણી પણ આપી દીધી છે. તમામ કિંગ્સ ક્રોસ ટ્રેઈન્સને રદ કરી દેવાઈ હતી અને મંગળવારની સાંજથી જ લગભગ અડધું નેટવર્ક કામ કરતું બંધ થઈ ગયું હતું. લંડન ઓવરગ્રાઉન્ડના પેસેન્જર્સને મંગળવારની રાત સુધીમાં તેમનો પ્રવાસ પૂરો કરી દેવા જણાવાયું હતું.
નેટવર્ક રેઈલ દ્વારા પ્રવાસીઓને આવશ્યક હોય તો જ ટ્રેનથી પ્રવાસ કરવાની અને છેલ્લી ટ્રેન ક્યારે મળશે તેની ચોકસાઈ સાથે પ્રવાસ કરવાની સલાહ અપાઈ હતી. ધ ટ્રાન્સપોર્ટ સેલરીડ સ્ટાફ્સ એસોસિયેશનના સભ્યો દ્વારા પણ બુધવારે અવન્તિ વેસ્ટ કોસ્ટ તેમજ ડ્રાઈવર્સ યુનિયન દ્વારા 30 જુલાઈએ સાત રેલ ઓપરેટર્સ માટે હડતાળની જાહેરાત કરી દેવાઈ છે.
લંડન અંડરગ્રાઉન્ડના વર્કર્સ 19 ઓગસ્ટે કામકાજનો બહિષ્કાર કરવાના છે ત્યારે RMT યુનિયનના બળવાખોર નેતા મિક લિન્ચે આગામી છ મહિના સુધી અરાજકતા વ્યાપી જવાની ધમકી આપી છે. આના પરિણામે, 2023માં પણ રેલવે હડતાળો ચાલુ રહેવાની આશંકા છે. લિન્ચે બ્રિટિશ રેલ નેટવર્કને ઘૂંટણીએ લાવી દેવાની ચેતવણી આપી છે. ટોરી નેતા અને વડા પ્રધાનપદના ઉમેદવાર ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસે યુનિયનો અર્થતંત્રને પેરેલાઈઝ કરી શકે નહિ તેવી કાયદાની દરખાસ્તો રજૂ કર્યા પછી યુનિયનો વિફર્યા છે.
RMT યુનિયનના સભ્યો 18 અને 20 ઓગસ્ટે નેટવર્ક રેઈલ અને 14 ટ્રેન ઓપરેટર્સ ખાતે કામનો બહિષ્કાર કરવાના છે. યુનિયને વેતન સહિતના મુદ્દાઓ પર ખાતરી ઉચ્ચારવા TfL ને 2 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે.

