લંડનઃ ઓગસ્ટમાં ઇંધણોની કિંમતમાં છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયનો સૌથી મોટો માસિક વધારો ઝિંકાતા વાહનચાલકોને મોંઘવારીનો ડામ લાગ્યો છે. આરએસીના જણાવ્યા અનુસાર ઓગસ્ટમાં પેટ્રોલનીસરેરાશ કિંમતમાં 7 પેન્સ પ્રતિ લિટરનો વધારો થયો હતો જે છેલ્લા 23 વર્ષનો પાંચમો સૌથી મોટો માસિક વધારો હતો. તેવી જ રીતે ડીઝલની કિંમતમાં 8 પેન્સ પ્રતિ લિટરનો વધારો ઝિંકાયો હતો.
આરએસીના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ તેલની કિંમતોમાં વધારાના કારણે ઇંધણોની કિંમતો વધી રહી છે. જુલાઇના પ્રારંભથી ક્રુડ ઓઇલની કિંમતમાં 12 ડોલર પ્રતિ બેરલનો વધારો થઇ ચૂક્યો છે. ઓપેક પ્લસ દેશોએ ઉત્પાદનમાં કાપ મૂક્યા બાદ ક્રુડની કિંમત 87 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી છે. જેના કારણે રિટેલર્સ પર બોજો વધ્યો છે.
આરએસના પ્રવક્તા સાયમન વિલિયમ્સે જણાવ્યું હતું કે, ક્રુડની કિંમતોમાં વધારો જારી રહેશે તો થોડા જસપ્તાહમાં ટેન્કફૂલ ઇંધણ માટે વધારાના 4 પાઉન્ડ ખર્ચવા પડશે. પેટ્રોલની કિંમતમાં 6થી 7 પેન્સ પ્રતિ લિટરનો વધારો સંભવિત છે.

