ઓગસ્ટમાં લગભગ અડધી કિંમતે રેસ્ટોરાંમાં ભોજનની અનોખી યોજના

Friday 10th July 2020 06:15 EDT
 
બ્રિટિશ ચાન્સેલર રિશિ સુનાકે તેમની એનોખી ‘Eat Out To Help Out’ યોજના જાહેર કર્યા પછી વાગામામા રેસ્ટોરાંમાં ગ્રાહકોને સર્વ કરવાની પણ મઝા લીધી હતી.
 

લંડનઃ યુકેમાં દરેક વ્યક્તિ ઓગસ્ટ મહિનામાં રેસ્ટોરાં અને પબ્સમાં અડધી કિંમતે ભોજન કરવાનો લાભ લઈ શકશે. સંઘર્ષ કરી રહેલા હોસ્પિટાલિટી સેક્ટરને જોમ આપવાનો ચાન્સેલર સુનાકનો આ વિશિષ્ટ પ્રયાસ છે. ચાન્સેલરે તેમના બુધવારના મિનિ બજેટમાં અભૂતપૂર્વ ‘ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ’ યોજના જાહેર કરી છે. ચાન્સેલરે કોમન્સ સમક્ષ જણાવ્યું હતું કે, ‘યુકેમાં કદી આ પ્રકારની યોજના જાહેર થઈ નથી. આપણે ક્રીએટિવ બનવું પડશે. કસ્ટમર્સને રેસ્ટોરાં, કાફેઝ અને પબ્સમાં કેંચી લાવવા તેમજ ત્યાં કામ કરતા ૧.૮ મિલિયન લોકોને રક્ષણ આપવા સરકાર ઓગસ્ટ મહિનામાં દેશના તમામ લોકો માટે ‘ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ’ ડિસ્કાઉન્ટ આપશે.’

લોકો આ યોજનામાં ભાગ લેનારા હોસ્પિટાલિટી બિઝનેસીસની ઓગસ્ટ મહિનામાં સોમવારથી બુધવાર, એમ ત્રણ દિવસ ૫૦ ટકા સુધી ડિસ્કાઉન્ટના દર સાથે ભોજન માટે મુલાકાત લઈ શકશે. બળકો સહિત પ્રતિ ગ્રાહક વધુમાં વધુ ૧૦ પાઉન્ડનું ડિસ્કાઉન્ટ મળી શકશે. જે પબ્સમાં ફૂડ અપાતું હોય તેનો પણ યોજનામાં સમાવેશ થઈ શકશે પરંતુ, આલ્કોહોલિક પીણાં પર ડિસ્કાઉન્ટ મેળવી શકાશે નહિ. બિઝનેસીસ તેમના દ્વારા ડિસ્કાઉન્ટ અપાયેલી રકમ પાછી મેળવવાના ક્લેઈમ્સ સરકાર સમક્ષ કરી શકશે અને પાંચ વર્કિંગ દિવસમાં નાણા તેમના બેન્ક એકાઉન્ટમાં જમા કરી દેવાશે.

ચાન્સેલર સુનાકે હોસ્પિટાલિટી અને ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા બે અનોખી યોજના જાહેર કરી હતી. અન્ય યોજનામાં ફૂડ, એકોમોડેશન અને સિનેમા જેવા આકર્ષણો પર જે VAT દર લાગે છે તેમાં નોંધપાત્ર કાપની જાહેરાત પણ છે. ઉલ્લેખનીય છે કે બુધવારે ચાન્સેલર સુનાકે પોતાની ‘ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ’ યોજનાની જાહેરાત કર્યા પછી વાગામામા રેસ્ટોરાં ખાતે ગ્રાહકોને સર્વિસ પણ પૂરી પાડી હતી. જોકે, બ્રિટિશરો આ યોજનાનો મહત્તમ લાભ ઉઠાવવા અલગ અલગ રેસ્ટોરાંમાં જઈને ભોજનના કોર્સીસ પૂરાં કરે તેવી શક્યતા પણ દર્શાવાઈ રહી છે. જો કસ્ટમર ત્રણ કોર્સના ભોજન માટે ૩૦ પાઉન્ડનું બિલ બનાવે તો તેને ૨૦ પાઉન્ડ ચુકવવાના થશે પરંતુ, ત્રણ અલગ રેસ્ટોરામાં જાય અને દરેક સ્થળે અલગ કોર્સીસ માટે ૧૦ પાઉન્ડ ખર્ચે તો તેને ૧૫ પાઉન્ડ જ ચૂકવવાના થશે. આમ તે પેટ ભરીને જમ્યા પછી પણ વધારાના પાંચ પાઉન્ડ બચાવી શકશે. જોકે, સરકારની પ્રાથમિકતા લોકો નાણા ખર્ચતા થાય તે માટે આવી છટકબારી બંધ કરશે નહિ તેમ જણાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter