લંડનઃ વર્ષ 2010માં ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સંરક્ષણ સોદામાં ભારતીય અધિકારીઓને લાંચ આપવાના આરોપોનો સામનો કરી રહેલા બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન જેમ્સ માઇકલને આખરે અટકાયત કરાયાના 6 વર્ષ બાદ જામીન પર મુક્ત કરાયા છે.
શસ્ત્ર વચેટિયા ક્રિશ્ચિયન જેમ્સ માઇકલની વર્ષ 2018માં દુબઇથી ધરપકડ કરાઇ હતી. ત્યારબાદ તેઓ ડઝન કરતાં વધુ વાર જામીન માટે અરજી કરી ચૂક્યાં હતાં. આખરે ભારતની સુપ્રીમ કોર્ટે ગયા મંગળવારે માઇકલના જામીન મંજૂર કર્યાં હતાં.
સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણીમાં થઇ રહેલા વિલંબને કારણે માઇકલના જામીન મંજૂર કર્યાં છે., સુપ્રીમ કોર્ટે સીબીઆઇની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે આ રીતે તો તમે આગામી 25 વર્ષ સુધી કેસની સુનાવણી પૂરી કરાવી શકશો નહીં. સીબીઆઇ અત્યાર સુધીમાં આ કેસમાં બે ચાર્જશિટ અને એક પૂરક ચાર્જશિટ રજૂ કરી ચૂકી છે.
રૂપિયા 3600 કરોડનો ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદો વર્ષ 2010માં યુપીએ સરકારના કાર્યકાળમાં થયો હતો. સીબીઆઇનો આરોપ છે કે આ સોદામાં ચૂકવાયેલી લાંચના કારણે સરકારને 338.48 મિલિયન પાઉન્ડનું નુકસાન થયું હતું. માઇકલને પણ આ પેટે 25.5 મિલિયન પાઉન્ડનું કમિશન ચૂકવાયું હતું.