લંડનઃ માઇગ્રેશન અને આર્થિક એમ બે મોરચા પર લડી રહેલી લેબર સરકારના ચાન્સેલર રેચલ રીવ્ઝે 26 નવેમ્બરે રજૂ કરેલા ઓટમ બજેટમાં કરવેરાનો મોટો વધારો ઝીક્યો છે તો સાથે જાહેર સેવાઓમાં સુધારા કરવાની પ્રતિબદ્ધતા સાથે બેનિફિટ્સમાં પણ વધારો કર્યો છે. રીવ્ઝે ઇન્કમ ટેક્સ અને નેશનલ ઇન્શ્યુરન્સ પરનો થ્રેશહોલ્ડ 2031 સુધી લંબાવી, બચતો – ડિવિડન્ડ અને પ્રોપર્ટી પર ટેક્સ સહિતના કડવા ડોઝ આપી બ્રિટનના વધી રહેલા દેવા પર લગામ કસવાનો પ્રયાસ કર્યો છે તો સામે પક્ષે યુનિવર્સલ ક્રેડિટ અંતર્ગત ટુ ચાઇલ્ડ કેપ દૂર કરી, વીજળી બિલોમાં ઘટાડા અને અન્ય બેનિફિટ્સ યથાવત રાખીને લેબરની કલ્યાણકારી નીતિઓ આગળ ધપાવવાનો પ્રયાસ પણ કર્યો છે. આમ રેચલનું બજેટ કરવેરાના કડવા ડોઝ અને બેનિફિટ્સની લોલીપોપના મિશ્ર સ્વરૂપ સમાન છે.


