લંડનઃ 26 નવેમ્બરના રોજ ઓટમ બજેટ રજૂ થાય તે પહેલાં પ્રીબજેટ સ્પીચમાં ચાન્સેલર રેચલ રીવ્ઝે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે આગામી બજેટમાં કરદાતાઓ પર બોજો વધવાનો છે. ચાન્સેલરે તેમની સ્પીચમાં કોઇ ચોક્કસ ટેક્સ વધારા કે ખર્ચના વચનોની જાહેરાત આપવાનું ટાળ્યું હતું પરંતુ સંકેત આપી દીધો હતો કે હું કરવેરા વધારવા માટે ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો તોડવા તૈયાર છું.
રીવ્ઝે જણાવ્યું હતું કે, જો આપણે બ્રિટનના ભાવિનું નિર્માણ સાથે મળીને કરવું હશે તો આપણે બધાએ યોગદાન આપવું પડશે. આપણામાંના દરેકે દેશની સુરક્ષા અને તેજસ્વી ભવિષ્ય માટે યથાશક્તિ યોગદાન આપવું પડશે.
લેબર પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં આવકવેરા, નેશનલ ઇન્શ્યુરન્સ અથવા વેટમાં વધારો નહીં કરવા અપાયેલા વચનો અંગેના સવાલના જવાબમાં ચાન્સેલરે જણાવ્યું હતું કે ચાન્સેલર તરીકે મારે વિશ્વનો સામનો કરવાનો છે અને આ વિશ્વ મારી ઇચ્છા અનુસારનું નથી. જ્યારે આપણી સામે પડકારો આવે છે ત્યારે સવાલ એટલો જ હોય છે કે આપણે તેનો કેવી રીતે સામનો કરીશું. કરીશું કે નહીં. 26 નવેમ્બરે રજૂ થનારા બજેટમાં મારું ધ્યાન મુખ્યત્વે એનએચએસમાં વેઇટિંગ લિસ્ટ ઘટાડવા, મોંઘવારી ઘટાડવા અને દેશનું દેવું ઘટાડવા પર કેન્દ્રિત રહેશે.
ચાન્સેલરે જણાવ્યું હતું કે, સરકાર રાજનીતિને બાજુ પર મૂકીને દેશના હિતમાં કામ કરશે. કરવેરા વધારીને શું તમે આગામી ચૂંટણી હારવા માગો છો તેવા સવાલના જવાબમાં રીવ્ઝે જણાવ્યું હતું કે, હું જે યોગ્ય છે તે જ કરીશ. છેલ્લા 14 વર્ષથી દેશ હિત કરતાં રાજનીતિને વધુ પ્રાધાન્ય અપાતું હતું. તેના કારણે આપણે અંધાધૂંધીમાં સપડાયાં છીએ. હું બ્રિટિશ અર્થતંત્રની સામે રહેલા પડકારોનો સામનો કરવા ઇચ્છું છું.


